ભાવનગરને પાણી પુરૂ પાડતા પાલિતાણાના શેત્રુંજી ડેમ પર ગઇકાલે સોમવારે આખો દિવસ કોઇ કારણોસર વીજકાપ રહ્યો હતો જેના કારણે ભાવનગર તરફ મોકલાતો પાણી પૂરવઠો અટકી પડ્યો હતો. પરિણામે આજે સવારથી તખ્તેશ્વર ફિલ્ટર અને ચિત્રા ફિલ્ટર વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી અને રહિશોમાં દેકારો બોલ્યો હતો.
શેત્રુંજી ડેમ સાઇટ પંપીંગ સ્ટેશન પર સોમવારે સવારે ૯ વાગ્યાથી વીજ સપ્લાયમાં ફોલ્ટ આવતા તેને પૂર્વવત કરવા વીજ તંત્ર કામે લાગ્યું હતું પરંતુ છેક રાત્રે ૯ વાગ્યે વીજ પૂરવઠો યથાવત થયો હતો. આ કારણે આખો દિવસ પાણીનું પંપીંગ નહીં થઇ શકતા ભાવનગર સુધી આવતો પાણીનો જથ્થો અટકી પડ્યો હતો. પંપીંગ સ્ટેશન બંધ થતા ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગ તેમજ ફિલ્ટર વિભાગનો સ્ટાફ પણ ધંધે લાગ્યો હતો અને વ્યાપક દોડધામ કરી હતી. આખરે ડેમ સાઇટ પર રાત્રે ૯ વાગ્યે પાવર સપ્લાય શરૂ થતાં પંપીંગ સ્ટેશન મારફત ભાવનગર તરફ પાણીનો પૂરવઠો મોકલાયો હતો.
આખો દિવસ પાણી સપ્લાય બંધ રહેતા પાલિતાણાથી ભાવનગર સુધીની મસમોટી લાઇન તદ્દન ખાલી થઇ જતા રાત્રે ૯ વાગ્યે પંપીંગ શરૂ કરાયું છતાં ભાવનગર સુધી પાણી પહોંચતા સવારના ૪ વાગ્યા હતાં. આમ તંત્રવાહકોને પણ રાત ઉજાગરા થયા હતાં. પાણી પૂરવઠામાં વિક્ષેપ સર્જાતા તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ તળેના કણબીવાડ, પીરછલ્લા, ક.પરા, માણેકવાડી, એમ.જી. રોડ, આંબાચોક, વોરાબજાર, રસાલા કેમ્પ, નવાપરા, ઉપરકોટ, શિલ્પીનગર, બારસે મહાદેવ વાડી, કાળુભા, તખ્તેશ્વર પ્લોટ, વિદ્યાનગર, ડીએસપી ઓફિસ, હરિયાળા પ્લોટ, ઘોઘાસર્કલ, મેઘાણીસર્કલ, આંબાવાડી, મંગળામાં મંદિર, ટીવી કેન્દ્ર, આનંદનગર, તિલકનગર, પટેલ પાર્ક, મુનીડેરી, ક્રેસન્ટ, પોલીસ લાઇન તેમજ સર ટી. હોÂસ્પટલનો સપ્લાય ખોરવાયો હતો.
જ્યારે ચિત્રા ફિલ્ટર તળેના બોરતળાવ, સરિતા, કુમુદવાડી, દેસાઇનગર, ઇશ્વરનગર, કુંભારવાડાનો પાણી સપ્લાય પણ બપોર સુધી ખોરવાયેલો રહ્યો હતો. આખો દિવસ મથામણ બાદ રાત્રે ૯ કલાકે વીજ પૂરવઠો પૂર્વવત થયો હતો. જા કે, તંત્રવાહકોએ આ સમસ્યાની જાહેરાત નહીં કરતા લોકો મંગળવારે સવારથી અચાનક આવી પડનાર પાણી કાપ અંગે અંધારામાં જ રહ્યા હતાં. માત્ર કોર્પોરેટરને તંત્રવાહકોએ જાણ કરી હતી. નગરજનોને જાણ થાય તે માટે કોઇ પગલા ભર્યાં ન હતાં. બીજી બાજુ આજે સવારે નિયત સમયે પાણી નહીં આવતા લોકોમાં દેકારો બોલ્યો હતો.