સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરની સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા વાદળછાયા વાતાવરણ તથા સુસવાટા મારતા પવનના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યભરની સાથે ભાવનગરમાં પણ લઘુતમ તાપમાનમાં ધટાડો થવા પામ્યો છે. રાત્રીનુ તાપમાન ઘટીને ૧૯.૨ ડીગ્રી પહોંચી જવા પામ્યું છે અને હજુ ત્રણેક દિવસ સુધી ઠંડીમાં વધારો થશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે.
ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળીયા વાતાવરણ વચ્ચે ધૂમ્મસનુ સામ્રાજ્ય છવાયેલુ હતુ દરમિયાન મંગળવારે સાંજથી સુસવાટા મારતો પવન ફૂકાવાની શરૂઆત થતા રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અને ઠંડીમા વધારો થવા પામ્યો છે. હવે રસ્તા પર લોકો ગરમ વસ્ત્રો ધારણ કરવા સાથે જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને. ગુજરાતના મોટાભાગના શહેરમાં લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે પહોંચી જવા પામ્યું છે. જેમા નલીયામા સૌથી ઓછું ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આગામી ત્રણ દિવસમાં રાત્રીના તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા દર્શાવાઇ છે. ભાવનગર શહેરમાં ગત રાત્રીના સરેરાશ ૧૮ કી.મી.ની ઝડપે પવન ફૂકાયો હતો. જ્યારે ભેજનુ પ્રમાણ ૮૭% રહ્યું હતું.