તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરૂદ્ધ ‘કેશ ફોર ક્વેરી’ કેસનો રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. લોકસભાની એથિક્સ કમિટી ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન આ રિપોર્ટને સંસદના નીચલા સદનમાં રજૂ કરવા માટે લિસ્ટ કરી ચુકી છે. લોકસભામાં મહુઆ વિરૂદ્ધ આ રિપોર્ટ શુક્રવારે રજૂ કરવામાં આવશે. ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં મહુઆ મોઇત્રાને સંસદમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ પહેલા, ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં મહુઆ મોઇત્રા વિરૂદ્ધ રિપોર્ટ 4 ડિસેમ્બરે રજૂ કરવામાં આવવાનો હતો પણ થઇ શક્યો નહતો. હવે લોકસભા સચિવાલય તરફથી શુક્રવારે ઉઠાવવામાં આવનારા મુદ્દા અને એથિક્સ કમિટી તરફથી રજૂ કરવામાં આવનાર રિપોર્ટને લિસ્ટ કરવામાં આવ્યો છે.