રાજ્યમાં હાર્ટએટેકને કારણે મૃત્યુની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. 24 કલાકમાં બહુચરાજીમાં 17 વર્ષીય વિદ્યાર્થી, મોડાસામાં ખેડૂત, જામનગર-રાજકોટમાં 2-2 અને લુણાવાડામાં એકનું હાર્ટએટેકથી મોત થયા હતા.
બહુચરાજીના મંડાલી ગામના 17 વર્ષીય વિદ્યાર્થી સેંધાભાઈ ઉર્ફે સુધીરભાઈ જીભાઈ દેસાઈનું રાત્રે ઊંઘમાં જ હાર્ટએટેકથી મોત થયું છે. સુધીર 12માં ધોરણમાં ભણતો હતો. કાલાવડના હરીપર ગામે રહેતા દામજીભાઇ વસોયા (63) નામના વૃધ્ધ પોતાની વાડીએ રાત્રે રખોપુ રાખવા માટે ગયા હતા જે દરમિયાન વાડીએ જ તેમને હાર્ટ એટેક આવી જતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે નિકાવા ગામે રહેતા પંકજભાઇ મોરડ (50)ને બપોરે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા અને ગભરામણ થતા તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા.
રાજકોટમાં મંગળવારે નાના ભાઇ સાથે વાત કરતા કરતાં 33 વર્ષનો યુવક તન્વીર હારૂનભાઇ લાખાણી બેભાન થઇ ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું, તેમજ ભાડલાના 40 વર્ષીય યુવક રાયધનભાઇ તળશીભાઇ મેતાડિયા ને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મોડાસા માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવેલા સાકરીયાના 45 વર્ષીય ખેડૂત સુખાભાઈ ખાંટને અચાનક હૃદય રોગના હુમલા બાદ અવસાન થતાં ગમગીની છવાઈ ગઈ હતી.
લુણાવાડાના દલવાઈ સાવલી ગામે ખેતી અને ડ્રાઇવરનું કામ કરતા 56 વર્ષીય અશ્વિનભાઈ પટેલને હાર્ટએટેકના દુઃખાવા બાદ હોસ્પિટલ લઇ જવાતા મૃત્યુ થઇ ગયું હતું. તેમનો મૃતદેહને તેમના વતન લુણાવાડા તાલુકાના દલવાઈ સાવલી ગામે લાવવામાં આવ્યો હતો.પુત્ર અશ્વિનભાઈનો મૃતદેહ જોઇ 86 વર્ષીય માતા ધુલીબેનને આઘાત લાગ્યો હતો અને માત્ર 5 મિનિટની અંદર માતાએ પણ પુત્રની સાથે દેહત્યાગ કર્યો હતો.