દેશના લગભગ તમામ રાજ્યોને તેમની વંદે ભારત ટ્રેનો મળી છે. હવે વધુ રૂટ પર વંદે ભારત શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેથી વધુને વધુ શહેરો આ ટ્રેનો સાથે જોડાઈ શકે અને મુસાફરોને ફાયદો થઈ શકે. હવે દેશભરમાં 10 વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે.
અત્યાર સુધીમાં કુલ 33 ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જે હાલમાં દેશભરના વિવિધ શહેરો અને રાજ્યો વચ્ચે દોડી રહી છે. હવે વારાણસી-લખનૌ, પટના-જલપાઈગુડી, મડગાંવ-મેંગલોર, દિલ્હી-અમૃતસર, ઈન્દોર-સુરત, મુંબઈ-કોલ્હાપુર, મુંબઈ-જલાના, પુણે-વડોદરા, ટાટાનગર-વારાણસી વચ્ચે દોડી શકે છે.
પહેલી વંદે ભારત ટ્રેન વારાણસી અને નવી દિલ્હી વચ્ચે 15 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ રૂટના લાખો મુસાફરોએ આ ટ્રેનનો લાભ લીધો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ જ રૂટ પર બીજી વંદે ભારત ટ્રેન શરૂ કરી શકે છે. દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન હશે.
વંદે ભારત ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં પણ ચાલશે
વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી શકે છે. ‘ધ હિન્દુ’ અનુસાર, રેલવે બોર્ડે મંગળવારે વંદે ભારત એક્સપ્રેસને જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (યુએસબીઆરએલ) સાથે દોડવા માટે આઠ કોચ ફાળવ્યા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર કાશ્મીરને જોડતી વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટનની જાહેરાત કરી શકે છે.






