ગુજરાતમાં સાયબર ક્રાઈમ રોકવા માટે દેશમાં અત્યાધુનિક વ્યવસ્થા અને ગુનેગારોને પકડવા માટે પોલીસ તંત્ર સતર્ક હોવાના દાવા થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં 4236 સાયબર ક્રાઈમ થયા છે. તેમાંથી એકપણ કેસમાં ગુનેગારને સજા મળી નથી.
ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓ ઉકેલવામાં દેશમાં મોખરે હોવાના દાવા થાય છે અને કરોડોનો ખર્ચ સિસ્ટમ પાછળ થાય છે પરંતુ સાયબર ક્રાઈમના કેસ સાબીત કરીને અપરાધી સાબીત કરવામાં કેમ નિષ્ફળતા મળે છે. લોકસભામાં 12 ડિસેમ્બરે પૂછાયેલા એક સવાલના જવાબમાં રાજયના ઓનલાઈન ફોર્ડ સહિતના સાયબર ક્રાઈમના કેસ અને ગુનેગારો વિશેની સ્થિતિની પોલ ખુલવા પામી છે. દર વર્ષે સરેરાશ 1300 જેટલા કેસ થાય છે તેમાંથી ચાર્જશીટ કરાતી હોય તેવા કેસની સંખ્યા પણ ઓછી છે. એટલું જ નહીં ધરપકડ કરાતા હોય કે ચાર્જશીટ મુકાતી હોય તેવા આરોપીઓની સંખ્યા પણ ઓછી છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, કેટલાક એવા રાજય છે જે અગ્રેસર નથી કે ગુજરાત જેવી અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા નથી છતાં નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યામાં ગુનેગાર સાબીત કરી શકયા છે. જેમાં 2022માં આંધ્રપ્રદેશમાં 13 કેસમાં ગુનેગાર સાબીત કરાયા છે. તેવી જ રીતે આસામમાં 7, છતીસગઢમાં 38, મધ્યપ્રદેશમાં 78, પંજાબમાં ત્રણ તો ઉતરપ્રદેશમાં 1068 કેસમાં ગુનેગાર ઠરાવાયા છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજયનો સાયબર ક્રાઈમનો એકપણ કેસ એવો નથી જેમાં ગુનેગારોને સજા આપવામાં આવી હોય.