શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં એક સ્થાનિક રહિશ એવા આધેડને હાર્ટએટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કોર્પોરેશન દ્વારા તાકીદના ધોરણે ભોગગ્રસ્તનું ઘર પાડી દેવા અપાયેલી નોટિસ કારણભૂત હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કરતા અને ગઇકાલની આ ઘટનામાં હજુ આજે બપોર સુધી મૃતદેહ પણ નહીં સ્વીકારવામાં આવતા મામલો ગરમાયો છે. દરમિયાનમાં આજે બપોરે સર તખ્તસિંહજી હોÂસ્પટલથી રેલી સ્વરૂપે નીકળીને કલેક્ટર અને કમિશનરને રજૂઆત માટે સ્થાનિકો દોડી ગયા છે.
આ બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ શહેરની ધોબી સોસાયટીમાં રહેતા સંજયભાઇ પોપટભાઇ દિહોરા (ઉ.વ.૫૦)ને હાર્ટએટેક આવતા સર ટી. હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં મૃતકના પુત્ર મેહુલભાઇએ આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશન દ્વારા તેમના ઘરને ગેરકાયદે ગણાવી અને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવતા તેમના પિતા ચિંતામાં સરી પડ્યા હતાં. એક તરફ પોતાની દિકરીનો સીમંતનો પ્રસંગ હતો અને બીજી બાજુ પ્રસંગ ટાણે જ કોર્પોરેશનની કાર્યવાહી આવી પડતા તેઓ ફફડી ઉઠ્યા હતા અને ચિંતામાં ને ચિંતામાં જમવાનું પણ છોડી દીધું હતું. આમ કોર્પોરેશનની કાર્યવાહીના પગલે તેમના પિતાનો જીવ ગયો છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.
દરમિયાનમાં બનાવના બીજા દિવસે આજે સોમવારે બપોર સુધી પરિવારજનોએ મૃતક સંજયભાઇ દિહોરાનો મૃતદેહ Âસ્વકાર્યો નથી. પરિવારજનોએ તેઓને ન્યાય મળે પછી જ મૃતદેહ Âસ્વકારાશે તેમ જીદ પકડી આ મામલે કલેક્ટર તથા કમિશનરને પણ રજૂઆત કરવા સ્થાનિકો દોડી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં જ્વેલ્સ સર્કલથી બોરતળાવ બાલવાટિકા સુધીનો ૧૮ મીટરનો રોડ બનાવવા કોર્પોરેશને વિકાસનું કાર્ય હાથ ધર્યું છે જેમાં રોડ દબાવીને કેટલાક બાંધકામો ખડકાયેલા છે તેવા બાંધકામોને માર્કીંગ કરીને તંત્રએ સત્વરે ખાલી કરી દેવા સુચના આપી નોટિસ પણ ફટકારી હતી.