ગુજરાતમાં 11 નવા એરપોર્ટ સ્થાપવા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સાથે કરાર કરાયા બાદ સમગ્ર પ્રોજેકટને હવાઈ ગતિ મળવા લાગી હોય તેમ પાંચ માટે જમીનની ઓળખ પસંદ કરી લેવામાં આવી છે. જયારે ત્રણ માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજય સરકારે તાજેતરમાં નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ તથા કેટલાંકનાં વિસ્તરણ માટે એમઓયુ કર્યા હતા. તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઔદ્યોગીક વસાહકો તથા ધાર્મિક અથવા ઐતિહાસીક સ્થળોને ધ્યાને રાખીને પસંદગી કરવામાં આવી હતી.
રાજયના 11 એરપોર્ટ માટેની પ્રક્રિયા તેજ બની હોય તેમ રાજય સરકારે પાંચ શહેરોનાં એરપોર્ટ માટે 1312, હેકટર જમીનની ઓળખ કરી લીધી છે. બોટાદમાં 190.34 હેકટર, દ્વારકામાં 132.52 હેકટર, દાહોદ એરપોર્ટ માટે 408.64 હેકટર, ધોરડોમાં 500 હેકટર, રાજુલામાં 80.94 હેકટર, જમીન પસંદ કરી લેવામાં આવી છે. આ સિવાય મોરબી એરપોર્ટ માટે 90 હેકટર, રાજપીપળામાં 47.24 હેકટર તથા અંકલેશ્વરમાં 80 હેકટર, જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ધોળાવીરા તથા અંબાજી એરપોર્ટ માટે જમીનની પસંદગી ઓળખ બાકી છે.જયારે પાલીતાણા માટે યોગ્ય જમીન નથી. સરકારનાં એમઓયુ પ્રમાણે,
ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા તથા કેશોદનાં વર્તમાન એરપોર્ટનાં વિસ્તરણ માટે વધારાની જમીન માંગવામાં આવી છે. અમરેલી, માંડવી તથા મહેસાણાની વર્તમાન આઈપટ્ટી વિકસાવવાની પણ યોજના છે. સિદ્ધપુર, વડનગર તથા કેવડીયામાં એરપોર્ટ શકય છે કે કેમ તેનો પણ ટેકનો-ઈકાનોમીક સર્વે કરાવવામાં આવનાર છે.