એક સમયે એવું હતું કે ગુજરાત ડ્રગ્સથી જોજનો દૂર હતું પરંતુ હવે જે ડ્રગ્સ માટે બદનામ છે તેવા પંજાબ રાજ્યમાં ગુજરાતમાંથી ડ્રગ્સ જતું હોય તેવું સામે આવે છે. પંજાબની જેલમાં બેઠાં બેઠાં એક આરોપી નશીલો પદાર્થ મગાવતો હતો અને તે નશીલો પદાર્થ અમદાવાદના ચાંગોદર પાસેની ફેક્ટરીમાંથી જતો હોવાનું સામે આવ્યું હતું.
ફરી એક વખત આરોપીઓ અને ડ્રગ્સનું આખું રેકેટ સામે આવતા પંજાબ પોલીસ તપાસ કરવા માટે અમદાવાદ આવી હતી. અમદાવાદ નજીકથી આ નશીલો પદાર્થ પકડીને પોતાની સાથે લઈ ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પંજાબ પોલીસ અને ગુજરાત ATSના નશાકારક દવા પકડવાના ઓપરેશનને લઈને મહત્ત્વની બાબત સામે આવી છે. પંજાબની બે અલગ અલગ જેલમાં બંધ બે આરોપીઓ નશાકારક દવાની સપ્લાય કરતા હતા. આશરે દોઢ મહિના પહેલાં અમૃતસરમાંથી પ્રિન્સ કુમાર નામના આરોપીને નશાકારક દવા સાથે પકડવામાં આવ્યો હતો.
આરોપી પ્રિન્સ કુમાર પાસે આવેલો નશાકારક દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમારે આપ્યો હતો. સચિન પોતે એલીકેમ ફાર્મા નામે દવાની કંપની ધરાવે છે. જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. સચિનની પૂછપરછમાં કબૂલાત તરીકે પંજાબની માનસા જેલમાં બંધ યોગેશ કુમાર નામના આરોપી સાથે મળીને દવાનો જથ્થો મગાવતો અને સપ્લાય કરતો હતો. સચિન અને યોગેશે અંતે કબૂલાત કરી કે, તેઓ ચાંગોદરની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશાકારક દવાઓ મગાવતા જેના આધારે પંજાબ પોલીસે ગુજરાત ATSની મદદ લઈ તપાસ કરતા શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે મનીષ અને રેખા નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.






