જેટકો વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયામાં ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી હતી. જે બાદ ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે જેટકો વિદ્યુત સહાયક પરીક્ષામાં ફરજમાં બેદરકારી દાખવા બદલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડેપ્યુટી એન્જીનિયર કે.એચ.પરમાર, એ.પી ભાભોર અને જે.જી પટેલ જ્યારે એસ.આર.યાદવ અને બી.જે ચૌધરી, એક્ઝિક્યુટિવ એન્જીનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી એન્જીનિયર કે કે.એચ.પરમારને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ એસ.આર.યાદવને પોલ ટેસ્ટની જવાબદારી અને બી.જે ચૌધરીને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી હતી.
બીજી તરફ ઉમેદવારોના વિરોધ વચ્ચે જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે. જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે. જેટકોએ પોતાની વેબસાઈટ પર સતાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.