લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ રણનિતી બનાવી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી દીધી છે. જ્યારે જોડ-તોડનું રાજકારણ પણ હવે ચરમ સીમાએ પહોંચી ગયું છે. આખા દેશના રાજકારણમાં રોજ નવી ઉથલ-પાથલ થઇ રહી છે. ત્યારે હવે JDU માં પણ ભૂંકપના પડઘા પડી રહ્યાં છે.
JDU ના 11 વિધાનસભ્યોની બંધ બારણે બેઠક યોજાઇ છે. જેમાં એક મોટા નેતા પણ સામેલ હોવાની વિગતો જાણવા મળી છે. આ વાતની નીતીશ કુમારને પણ જાણ થઇ ગઇ છે. ત્યારે હવે ગુરુવારે એટલે કે 28મી ડિસેમ્બર 2023ના રોજ નીતીશ કુમાર દિલ્હી જઇ મોટા નેતાઓને મળી શકે છે. ત્યારે હવે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનું આગામી પગલું શું હશે તે તરફ બધાનું ધ્યાન છે.
નીતીશ કુમારની વર્કિંગ સ્ટાઇલની વાત કરીએ તો જ્યારે જ્યારે પાર્ટીના નેતાઓ કોઇ બીજા પક્ષ તરફ વળતા દેખાય ત્યારે ત્યારે નીતીશ કુમારે એ નેતાની પાંખો કાપી છે. જ્યારે પાર્ટીમાં આરસીપી સિંહ પર ભાજપ સાથે મીલીભગત હોવાનો આક્ષેપ થયો ત્યારે નીતીશ કુમારે સીધા જ તેમને પક્ષમાંથી કાઢી મૂક્યા હતાં. અને હવે લલન સિંહ આરજેડી તરફ વળશે તેવી ચર્ચાઓ વચ્ચે લલન સિંહને પણ પક્ષમાંથી જાકારો મળે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.