ભારતે પાકિસ્તાનને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કહ્યું છે. ભારત હાફિઝ સઈદ વિરુદ્ધ અનેક કેસ દાખલ કરવા માંગે છે. જો કે, પાકિસ્તાનનું નિવેદન દર્શાવે છે કે તે આતંકવાદીઓને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી.
મુમતાઝે કહ્યું, પાકિસ્તાનને કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં હાફિઝ સઈદને સોંપવા માટે ભારત તરફથી વિનંતી મળી છે. જો કે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી. જો કે ઉલ્લેખનીય એ પણ છે કે, ભારતમાં NIAએ હાફિઝ સઈદ વિરુદ્ધ ઘણા કેસ નોંધ્યા છે. યુએનએ પણ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. સઈદ વિરુદ્ધ આતંકવાદી ફંડિંગનો કેસ પણ ચાલી રહ્યો છે. પરંતુ પાકિસ્તાન હાફિઝ સઈદની સાથે ઉભું છે.
સઈદનો પુત્ર ચૂંટણી લડવા માંગે છે
ભારતે સઈદના પુત્ર તલ્હા સઈદના પાકિસ્તાનમાં ચૂંટણી લડવાના અહેવાલોની પણ નોંધ લીધી છે. અને કહ્યું કે પાકિસ્તાનમાં કટ્ટરપંથી આતંકવાદી સંગઠનોનું “મુખ્ય પ્રવાહ”માં સમાવેશ કોઈ નવી વાત નથી. તે લાંબા સમયથી તેની રાજ્ય નીતિનો ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આતંકવાદીના પ્રત્યાર્પણની વિનંતી તાજેતરમાં કેટલાક દસ્તાવેજો સાથે ઈસ્લામાબાદને મોકલવામાં આવી હતી. બાગચીએ તેની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તાજેતરમાં જ પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલવામાં આવી હતી.
તેમણે કહ્યું, “જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે ભારતમાં ઘણા કેસોમાં વોન્ટેડ છે. સંયુક્ત રાષ્ટ્રે પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે. આ સંદર્ભે, અમે પાકિસ્તાન સરકારને તેને સંબંધિત જરૂરી દસ્તાવેજો સાથે ભારતને પ્રત્યાર્પણ કરવાની વિનંતી કરી છે જેથી તે ચોક્કસ કેસમાં ટ્રાયલનો સામનો કરી શકે.” તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશને થોડા અઠવાડિયા પહેલા વિનંતી સબમિટ કરી હતી. પ્રવક્તાએ કહ્યું કે ભારત પાકિસ્તાનને સઈદની ગતિવિધિઓ વિશે માહિતી આપી રહ્યું છે અને તે ભારતમાં વોન્ટેડ છે.






