ગારીયાધાર તાલુકાના ચોમલ ગામમાં નવ વર્ષ પહેલાં થયેલી મારમારીની ઘટનામાં ગરિયાધારની કોર્ટે ચોમલ ગામના બન્ને જૂથના મળી ૬ શખ્સને એક વર્ષની કેદની સજા તેમજ ચાર શખ્સને છ માસની કેદની સજા ફરમાવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગારીયાધાર તાલુકાના ચોમલ ગામમાં ગત તા.૦૮/૦૨/૨૦૧૪ ના રોજ ફરિયાદી દૂધીબેન માલાભાઈ પરમારના દિયર ટીંબા ગામના કાચા રસ્તે જતા હતા ત્યારે ગામમાં રહેતા કાળુભાઇ નાનજીભાઈ પરમારે વડચડ કરીને તારી દીકરીને લઈ ગયેલ તમોએ શુ કરી લીધું તેમ કહેતા ઝઘડો થયો હતો અને બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં ગારીયાધાર પોલીસે બન્ને જૂથના મળી દસ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેનો કેસ ગારીયાધારની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો,આધાર,પુરાવા ધ્યાને લઈને આરોપીઓને વિવિધ કલમ હેઠળ કસૂરવાર ગણી મેજિસ્ટ્રેટ એ.કે.શાહે આ કામના આરોપી દિનેશ નાનજીભાઈ પરમારને કલમ ૩૨૪ ના ગુનામાં એક વર્ષની કેદની સજા અને રૂ.બે હજારનો દંડ ફટકાર્યો હતો.તેમજ દિનેશ સહિત કાળુ નાનજીભાઈ પરમાર,નરેશ નાનજીભાઈ પરમાર,જેરામ નાનજીભાઈ પરમાર અને નાનજી દાનાભાઈ પરમારને છ માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.એક હજારનો દંડ ફટકાર્યો હતો.જ્યારે સામા પક્ષના દિનેશ વશરામભાઈ પરમાર ,દલસુખ કેશુભાઈ પરમાર,ધનજી કેશુભાઈ પરમાર, પ્રવીણ જેઠાભાઈ પરમાર અને હરેશ જેઠાભાઈ પરમાર ને કલમ ૩૨૩ મુજબ કસૂરવાર ગણી તમામને એક વર્ષની સાદી કેદની સજા તથા પ્રત્યેકને રૂપિયા ૨૦૦૦ રોકડાનો દંડ ફટકાર્યો હતો.