વર્ષ ૨૦૨૩ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના ૧૦૮માં એપિસોડમાં દેશવાસીઓને નવા વર્ષની આગોતરી શુભેચ્છા પાઠવી હતી. આ એપિસોડમાં તેમણે ફિટ ઈન્ડિયા, મેન્ટલ હેલ્થ, અઈં, ઇનોવેશન, નારી શક્તિ, સામાજિક નિસ્બત, માતૃભાષા વિષે વાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે અભિનેતા અક્ષય કુમાર અને મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પણ જોડાયા હતા, જેમણે તેમના ફિટનેસ મંત્ર વિષે વાત કરી હતી.
અયોધ્યામાં રામમંદિરને મામલે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાની નોંધ લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રી રામ ભજન’ હૅશટેગ સાથે રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકવાની દેશવાસીઓને રવિવારે વિનંતી કરી હતી. આ બાબત લોકોમાં લાગણીઓ તેમ જ ભક્તિનું પૂર લાવશે જે લોકોને રામમાં તરબોળ કરશે, એમ તેમણે કહ્યું હતું.
રેડિયો પરથી પ્રસારિત થતા ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એવા અનેક નવા-જૂના કલાકારો છે જેમણે હૃદયસ્પર્શી ભજનોની રચના કરી છે.
આ ઐતિહાસિક ક્ષણમાં કલાકાર વિશ્ર્વના લોકો પોતાની આગવી રીતે ભાગીદાર થઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. મને મનમાં એક વિચાર આવે છે કે આ કલાકારોની રચના શું આપણે સોશિયલ મીડિયા પર ન મૂકી શકીએ? એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘શ્રી રામ ભજન’ હૅશટેગ સાથે વધુમાં વધુ લોકોએ રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકવા જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભરતા’ જેવી બાબતોથી દેશનો મિજાજ પ્રેરિત છે. વર્ષ ૨૦૨૪માં પણ દેશવાસીઓએ આ મિજાજ જાળવી રાખવાની જરૂર છે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. ‘મન કી બાત’ના ૧૦૮મા હપ્તાના પ્રસારણમાં તેમણે માનસિક અને શારીરિક આરોગ્ય પર ભાર મૂક્યો હતો અને ‘ફીટ ઈન્ડિયા’ માટેના પ્રયાસના અનેક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આરઆરઆરના ગીત‘નાટૂ નાટૂ’ અને દસ્તાવેજી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ માટે આ વરસે મળેલા બે ઑસ્કર એવૉર્ડ પર પણ મોદીએ પ્રકાશ પાડ્યો હતો.
વડા મોદીએ કહ્યું કે, આજે આપણી સંયુક્ત યાત્રાનો ૧૦૮મો એપિસોડ છે. ૧૦૮ નંબરનું મહત્ત્વ, તેની પવિત્રતા ઊંડા અભ્યાસનો વિષય છે. માળામાં ૧૦૮ મણકા, ૧૦૮ વખત જાપ, ૧૦૮ દિવ્ય ક્ષેત્રો, મંદિરોમાં ૧૦૮ પગથીયા…૧૦૮નો આ નંબર અપાર અસ્થા સાથે જોડાયેલો છે. તેથી જ મન કી બાતનો ૧૦૮મો એપિસોડ મારા માટે વધુ ખાસ બન્યો છે.
વડા પ્રધાને કહ્યું કે ભારત ઇનોવેશનનું હબ બની રહ્યું છે. દેશ આત્મનિર્ભરતાની લાગણીથી ભરેલો છે. આ ૧૪૦ કરોડ ભારતીયોની તાકાત છે કે આપણા દેશે આ વર્ષે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારતનો દરેક ખૂણો આત્મવિશ્ર્વાસથી ભરેલો છે. તે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી તરબોળ છે. આપણે ૨૦૨૪માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાની છે.






