સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમે બોગસ આધાર પુરાવાના આધારે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરતા નવ લોકોને જુદા જુદા વિસ્તારોમાં છાપો મારી ઝડપી પાડ્યા છે. ઉપરાંત આરોપીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે બનાવટી આધારકાર્ડ બનાવી મદદરૂપ બનેલા આરોપીને પણ દબોચી પાડવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર, સુરત પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત બાતમીના આધારે જુદા જુદા વિસ્તારોમાં છાપો માર્યો હતો. જ્યાંથી કુલ 9 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ હારૂન રસીદ મોહમ્મદ હમીદ, મનસુર બકર મોલ્લા, સીયાન મોહમ્મદ મનન ખલીફા, સરમીન ખાનમ ઇનાયત શેખ, મહમદ ફારુક હુસેન મોહમ્મદ હમીદ, તુલી મોહમ્મદ આલમ મંડલ, કાજોલી બેગમ મોહમ્મદ નાસીર સરદાર, મોહમ્મદ રાણા લિયાકત મોલ્લા, બહાદુર રફીક ખાની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પોતે બાંગ્લાદેશી હોવાની ઓળખ છુપાવવા માટે બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના પુરાવા બનાવી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હતી. બોગસ ડોક્યુમેન્ટના આધારે આરોપીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે આકાશ સંજય માનકર દ્વારા મદદ કરવામાં આવી હતી.
આકાશ માણકરે જ બાંગ્લાદેશીઓને બોગસ ભારતીય આધાર પુરાવાઓ બનાવી આપ્યાં હતા. આ હકીકત ધ્યાને આવતા કડોદરા ખાતે રહેતા અને શ્રીગણેશ એન્ટરપ્રાઇઝ નામથી એજન્સી ધરાવતા આકાશ સંજય માનકરની પણ ધરપકડ કરાઈ હતી. વધુમાં પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ હારુ નૂર રસીદ છે, જે સુરત ખાતે મહિલાઓ પાસે સ્પાની આડમાં દેહ-વેપારનો ધંધો કરાવે છે. જે આરોપી પોતાના વતનના ગામની આસપાસ રહેલા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ અને યુવતીઓને વધુ પગાર આપવાની લાલચ આપી બાંગ્લાદેશના સાતખીરા અને જોશેર જિલ્લાના પ્રતિબંધિત બોર્ડરથી પશ્ચિમ બંગાળ બેનગૌઉથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી ત્યારબાદ ટ્રેન અથવા પ્લેન મારફતે સુરત લઈ આવે છે. જ્યાં સુરત લઈ આવ્યા બાદ શહેર જિલ્લાની આસપાસના વિસ્તારમાં દેહ વેપારનો ધંધો કરતા લોકોનો સંપર્ક કરી મહિલાઓ અને યુવતીઓને દેહ-વિક્રિયના ધંધામાં ધકેલી દેવામાં આવતી હતી.
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે કે, માસ્ટર માઈન્ડ આરોપી મોહમ્મદ હારુ નૂર રશીદ બનાવટી ડોક્યુમેન્ટના આધારે ભારતીય પુરાવા બનાવી બેન્ક એકાઉન્ટ ખોલાવે છે. આ બેન્ક એકાઉન્ટ ખોલાવી વાહનોની લોન મંજૂર કરાવે છે. માસ્ટરમાઈન્ડ આરોપી દ્વારા હમણાં સુધી ત્રણ જેટલા મોટા વાહનોની લોન લઈ ખરીદી કરવામાં આવી છે.
આ તમામ આરોપીઓ વિરુદ્ધ હાલ સુરતના સરથાણા, લાલગેટ, પાંડેસરા, મહિધરપુરા, ચોક બજાર અને ઉત્રાણ પોલીસ મથકમાં સાત અલગ-અલગ ગુના નોંધાવવામાં આવ્યા છે, જેની વધુ તપાસ સુરત શહેર એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે.