કેન્દ્ર સરકારે ઘડેલા નવા ત્રણ ફોજદારી કાયદામાં અકસ્માત-હીટ એન્ડ રનનાં કેસોમાં સજા દંડની જોગવાઈ ઘણી આકરી બનાવતાં ભડકેલા ટ્રક-બસ ડ્રાઈવરોએ પાડેલી હડતાલમાં સમાધાન થઈ ગયુ છે. કેન્દ્ર સરકારે એવુ જાહેર કર્યું છે કે, નવો કાયદો લાગુ પાડતા પૂર્વે ટ્રાન્સપોર્ટરો સાથે વિચાર વિમર્શ કરવામાંઆવશે.
સરકાર સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો દ્વારા હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ પુર્વે દેશભરનાં અનેક ભાગોમાં આવશ્યક ચીજો-પેટ્રોલ ડીઝલ સહીતની સપ્લાયને મોટી અસર દેખાવા લાગી હતી. સરકારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તુર્ત બેઠક કરી હતી.કેન્દ્ર સરકારનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે નવા કાયદાની અમુક જોગવાઈઓ સામે ભ્રમ કે ચિંતા હોય તો તે હટાવી દેવામાં આવશે. ટ્રક-ટ્રાન્સપોર્ટ વાહન ચાલકોએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કર્યાને પગલે આજથી પરિવહન ફરી નોર્મલ થવા લાગ્યુ છે.
અકસ્માત-હીટ એન્ડ રન વિશે વાહન ચાલક દ્વારા પોલીસને સામેથી માહીતી આપી દેવામાં આવે તો સજા પણ અર્ધી થઈ જશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એવુ સ્પષ્ટ કર્યું છે કે નવા કાયદામાં કોઈ ખામી ક ક્ષતિ નથી પરંતુ ગેરસમજણને કારણે ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને રસ્તા પર તરફડીયા મારતા બચાવવાનો કાયદાનો ઉદેશ છે. સુપ્રિમ કોર્ટનાં નિરિક્ષણ હેઠળ કાયદામાં બદલાવ કરાયા છે. સર્વોચ્ચ અદાલતે જ કાયદા આકરા બનાવવાનું સુચવ્યુ હતું.
ટ્રક-બસ ચાલકોની હડતાલ ખત્મ કરવા માટે કેન્દ્રીય ગૃહસચીવે ટ્રક ચાલક સંગઠન સાથે બેઠક કરી હતી. બેઠકમાં એવુ સ્પષ્ટ કહેવાયું છે કે નવો કાયદો બની ગયો હોવા છતાં હજુ તે લાગુ થયો નથી. કાયદાની કલમ 106 (2) હેઠળ 10 વર્ષની સજા તથા દંડની જોગવાઈ સામે ટ્રક ચાલકોની ચિંતાને સરકારે ધ્યાને લીધી છે અને તેની બેઠકમાં ચર્ચા થઈ છે. આ કાનુની જોગવાઈ લાગુ થતા પૂર્વે ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે વિચાર વિમર્શ કરાશે.