લોકસભા ચૂંટણી પહેલા ભાજપ રામદર્શન માટે બે મહિના સુધી ઝુંબેશ ચલાવશે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભાજપ લોકોને રામ દર્શન માટે ઝુંબેશ ચલાવશે. જે મુજબ દરરોજ લગભગ 50 હજાર લોકોને અયોધ્યામાં રામદર્શન કરાવવા ભાજપના કાર્યકર્તાઓ સહાયરૂપ થશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપના દરેક રાજયના સિનીયર નેતાઓ અને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રીઓની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપની કોશિશ છે કે 22 જાન્યુઆરીએ દેશભરમાં દિવાળી જેવો માહોલ હોય ભાજપના લોકો તેના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના લોકો સાથે પણ કો ઓર્ડીનેશન પણ કરશે. કારણ કે તેઓ પણ આ અભિયાનમાં જોડાયા છે.
ભાજપ 25 જાન્યુઆરીની બે મહિના સુધી આ રામદર્શન અભિયાન ચલાવશે તેમાં દરેક બુથથી કાર્યકર્તાઓ અયોધ્યામાં રામમંદિરના દર્શન કરાવશે. પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે અયોધ્યાના ભાજપ નેતાએ જવાબદારી સંભાળશે કે કોઈપણ ભકતને કોઈપણ મુશ્કેલી ન થાય, પાર્ટી કાર્યકર્તાઓ એ નિશ્ચિક કરશે કે બધાના આરામથી દર્શન થઈ જાય અને કોઈને રહેવાથી માંડીને દર્શન સુધી કોઈપણ પ્રકારની અસુવિધા પેદા ન થાય. દર્શન માટે આવનારા ભાવિકો ખુદના ખર્ચે આવશે. નડ્ડાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ કોઈ પણ ભેદભાવ વિના ભાવિકોને મદદરૂપ થશે.
આ અભિયાન 25 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી ચાલશે જેમાં રોજના 50 હજાર ભાવિકોને રામદર્શન માટે સહાયરૂપ થવાનો હેતુ છે. નડ્ડાએ જણાવ્યું હતું કે લોકસભા અને વિધાનસભા લેવલે રાજયમાં આ મામલે કન્વીનરની નિમણુંક થશે. નડ્ડાએ એવી પણ તાકીદ કરી હતી કે રામદર્શન માટે કાર્યકર્તા ભાજપના ધ્વજનો ઉપયોગ નહીં કરી શકે.