દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED ત્રણ સમન્સ મોકલી ચુકી છે તેમ છતાં પણ તે હજુ સુધી તપાસ એજન્સી સામે હાજર થયા નથી. બુધવાર રાત્રે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ આ વાતની આશંકા વ્યક્ત કરી છે કે અરવિંદ કેજરીવાલના ઘર પર ગુરૂવાર સવારે રેડ મારવામાં આવી શકે છે અને આ દરમિયાન તેમની ધરપકડ થઇ શકે છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી સંદીપ પાઠક લખે છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુરૂવાર સવારે ED રેડ કરી શકે છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ પણ આવી જ પોસ્ટ લખી છે, તેમણે લખ્યુ કે સમાચાર આવી રહ્યાં છે કે ED કેજરીવાલના ઘરે રેડ મારવા જઇ રહી છે અને તેમની ધરપકડ થઇ શકે છે.
આમ આદમી પાર્ટીના નેતા જૈસમિન શાહ લખે છે કે સૂત્રોએ આ પૃષ્ટી કરી છે કે ED કેજરીવાલના ઘરે રેડ મારવા જઇ રહી છે, તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આમ આદમી પાર્ટીના નેતા આ શક્યતાઓને સાચા થવા પર શું કરવું છે, તેના માટે ચર્ચા કરવા લાગી ગયા છે. પાર્ટીના એક સીનિયર નેતાએ જણાવ્યું કે મોડી સાંજે પાર્ટીના સીનિયર નેતા દિલ્હના મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓના સોશિયલ મીડિયાને જોતા દિલ્હીમાં ED ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.