ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના અપમૃત્યુ અને તેમને ચૂકવવાના થતાં વળતરને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે મૃતકોના પરિવારને ચૂકવાયેલ અને નહીં ચૂકવાયેલ વળતરનું લિસ્ટ અને કારણો સાથે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી પાસેથી એફિડેવિટ માગી હતી.
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, હાઈકોર્ટ સમક્ષ કુલ ૧૬૭ ગટર સફાઈ કામદારોના અપમૃત્યુનું લીસ્ટ મૂકાયું હતું. જેમાંથી ૧૬ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વળતર ચૂકવવાનું થાય છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ૮ મૃતકોના પરિવારજનોને જ વળતર ચૂકવવાનું બાકી છે. જ્યારે બાકીના લોકોને કોઈ કારણસર વળતર આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગટર સફાઈ કામદારોના અપમૃત્યુના કિસ્સામાં ૧૦ લાખથી લઈને ૩૦ લાખ જેટલું વળતર ચૂકવવું પડે છે. જે પહેલા ૧૦ લાખ હતું, હવે ગંભીર રીતે ઘાયલ કામદારને પણ ૧૦ લાખ રૂપિયા વળતર ચૂકવવું પડે છે.
આ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાનો તાજેતરનો બનાવ કોર્ટ સમક્ષ મૂકાયો હતો. જેમાં બે ગટર સફાઈ કામદારો મેઇન હોલમાં ઉતર્યા હતા. જેમાંથી એકનું મોત થયું હતું અને એકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મુદ્દે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોધાઇ હતી. પરંતુ હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ જવાબદાર અધિકારીઓ સામે કોઈ ફરિયાદ નોંધાઇ નથી.
ભાવનગરની ઘટના મુદ્દે કોર્ટે ભાવનગર મહાનગરપાલિકાને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. તો સાથે જ અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને મૃતકોના પરિવારને ચૂકવાયેલ, નહીં ચૂકવાયેલ વળતરનું લિસ્ટ અને કારણો સાથે એફિડેવિટ માગી છે.