ભાવનગર મહાપાલિકામાં સીટી એન્જીનીયર અને એડીશ્નલ સીટી એન્જીનીયર માટે લાંબા સમય બાદ રાજ્ય સરકારે પોસ્ટ મંજુર કરી છે. ત્યારે હવે આજે ત્રણેય પોસ્ટ પર મેરીટના આધારે મૌખીક ઈન્ટરવ્યુ બાદ સીધી ભરતીથી નિમણુંક આપવા પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ભાવનગર કોર્પોરેશનમાં સીટી એન્જીનીયરની જગ્યા વણ પુરાયેલી હોવાથી ઈન્ચાર્જને કમાન સોપી ગાડુ ગબડાવાતું હતું. તાજેતરમાં ઈન્ચાર્જ સીટી એન્જીનીયર દેવ મુરારી પણ નિવૃત્ત થયા છે. ત્યારે કી-પોસ્ટ ગણાતી જગ્યા પુરવા અગાઉથી નક્કી થયા મુજબ આજે ઉમેદવારોને મૌખીક ઈન્ટરવ્યુ માટે બોલાવાયા છે. કમિશ્નર સહિત પાંચ તજજ્ઞોની બનેલી ટીમ દ્વારા અગાઉથી પસંદ થયેલા ત્રણ ઉમેદવારોનું ઈન્ટરવ્યું લેવામાં આવશે. અને કમિટીને નક્કી થયેલ ધારાધોરણમાં પસંદ પડે તેવા ઉમેદવારનું સિલેકશન થશે. જ્યારે એડીશ્નલ સીટી એન્જીનીયરની બે પોસ્ટ માટે આઠ ઉમેદવારને ઈન્ટરવ્યુંમાં બોલાવાયા છે. જેમાં પણ ઈન્ટરવ્યું બાદ કોઈ બે ઉમેદવારની પસંદગી થશે.
ઉલ્લેખનિય છે કે કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત સીટી એન્જીનીયરની કી-પોસ્ટ માટે સીધી ભરતી થઈ રહી છે. આ સામે કોર્પોરેશનના બઢતીને લાયક ઉમેદવારોમાં નારાજગી પણ રહેલી છે.
જા કે ઓજસ વેબસાઈટ મારફત ઉમેદવારોને આમંત્રણ આપી લાયકાત અને મેરીટના આધારે કોર્પોરેશન દ્વારા ઈન્ટરવ્યું માટે આમંત્રિત કરાયા છે. ઈન્ટરવ્યું લેનાર ટીમમાં સમાવાયેલ તજજ્ઞોના નામ પણ કોર્પોરેશન દ્વારા ખાનગી રાખવામાં આવ્યા છે.






