પૂર્વીય લદ્દાખમાં મે ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં હિંસા મારફત ભારત સાથે ઘર્ષણનો માર્ગ અપનાવનારા ચીને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. સતત વિકસી રહેલા ભારતની ચંદ્રયાન-૩ સહિતની સિદ્ધિઓ છતાં અનેક મુદ્દાઓ પર ટીકા કરનારા ચીને હવે ભારતની પ્રશંસા કરી છે. ‘મુંહ મેં રામ બગલ મેં છુરી’ જેવી નીતિ ધરાવતા ખંધા ડ્રેગનનું આ બદલાયેલું વલણ આશ્ચર્યજનક છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખમાં કહેવાયું છે કે ભારત વૈશ્વિક વેપાર, સંસ્કૃતિ, અર્થતંત્ર અને રાજકીય બાબતોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને સમગ્ર વિશ્વ પર તેની છાપ છોડી રહ્યું છે.
દુનિયામાં સતત આગળ વધી રહેલા ભારતની શક્તિ સ્વીકારનારા દેશોમાં હવે ચીનનો પણ સમાવેશ થઈ ગયો છે. અમેરિકન પ્રમુખ બાઈડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં, બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનાક સહિત પશ્ચિમના દેશો વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. થોડાક દિવસ પહેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. હવે ચીન પણ ભારતની શક્તિને સ્વીકારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે
ફુદાન યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીના ડિરેક્ટર ઝાંગ ઝિયાદોંગે આ લેખમાં લખ્યું છે કે, તિવ્ર આર્થિક અને સામાજિક વિકાસ સાથે ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ સાથે ભારત નિકાસ પર વધુ ભાર આપી રહ્યું છે અને તેનું ‘ભારતવાળુ’ નેરેટિવ પણ વધુ ઊભરીને સામે આવી રહ્યું છે.
ચીન કમ્યુનિસ્ટ પક્ષના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં જણાવાયું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારત સરકારે વૈશ્વિક વેપાર, સંસ્કૃતિ અને રાજકારણ સહિત તમામ મુદ્દાઓ પર વધુ સારો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. ઝાંગ ઝિયાદોંગે લખ્યું છે, આથક અને સામાજિક વિકાસ સાથે ભારત પોતાને વિકસિત કરવામાં પણ રણનીતિકરૂપે વધુ આશ્વાસ્ત અને સક્રિય બની ગયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, મેં તાજેતરમાં જ બે વખત ભારતનો પ્રવાસ કર્યો, જે ચાર વર્ષમાં મારો પહેલો પ્રવાસ પણ હતો. આ પ્રવાસ દરમિયાન મેં જોયું કે ભારત ઘરેલુ અને વિદેશમાં ચાર વર્ષ પહેલાની સ્થિતિમાં ઘણું બદલાઈ ગયું છે. ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યા છે. તેની મહાન શક્તિ અને રણનીતિ સપનાથી વાસ્તવિક્તા તરફ આગળ વધી છે.