વિશ્વ આર્થિક મંચ (WEF)ની પાંચ દિવસીય 54મી વાર્ષિક બેઠક સોમવારથી દાવોસમાં શરૂ થઇ રહી છે. આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે દુનિયા જળવાયુ પરિવર્તન, સંઘર્ષ અને ફેક ન્યૂઝ જેવા સંકટો સામે ઝઝુમી રહી છે. બેઠક માટે વિશ્વભરના 2800થી વધુ નેતા અહીં પહોંચી રહ્યાં છે જેમાં 60થી વધુ દેશ અને સરકારોના પ્રમુખ સામેલ છે.
બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ ત્રણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, અશ્વિની વૈષ્ણવ અને હરદીપ સિંહ પુરી કરશે, તેમની સાથે ત્રણ રાજ્યના મુખ્યમંત્રી અને 100થી વધુ સીઇઓ પણ હાજર રહેશે. બેઠકની ઔપચારિક શરૂઆત એક દિવસ પહેલા યૂક્રેન માટે શાંતિ યોજના પર ચર્ચા કરવા માટે દાવોસે પ્રથમ વખત 90 દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકની યજમાની કરી હતી.
ભારતીય પ્રતિનિધિમંડળમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામેલ છે. સાથે જ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણાના કેટલાક મંત્રી પણ બેઠકમાં ભાગ લેશે. ભારતીય કંપનીઓના CEOમાં ગૌતમ અદાણી, સંજીવ બજાજ, કુમાર મંગલમ બિરલા, એન.ચંદ્રશેખરન, નાદિર ગોદરેજ, સજ્જન જિંદલ, રોશની નાદર મલ્હોત્રા, નંદન નીલેકણી, રિશાદ પ્રેમજી અને સુમંત સિન્હા સામેલ છે.
રશિયા-યૂક્રેન યુદ્ધ પણ બેઠકમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેશે. કેટલાક દેશમાં યોજાવા જઇ રહેલી ચૂંટણીના આ વર્ષમાં બેઠકમાં AIના ઉપયોગથી ડીપ ફેકનો ખતરો, જળવાયુ પરિવર્તન, આર્થિક મંદી અને વિશ્વ સામે કેટલાક અન્ય સમસ્યાઓ પર ચર્ચા થશે.
બેઠકમાં ફ્રાંસ, યૂક્રેન, દક્ષિણ કોરિયા, સ્વિત્ઝરલેન્ડ, ઇરાક, સિંગાપુર અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ; ચીન, સ્પેન, બેલ્જિયમ, નેધરલેન્ડ, કતાર અને વિયેતનામના વડાપ્રધાન; અમેરિકન વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સામેલ થશે.
એક ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં WEFના પ્રેસિડેન્ટ બાર્જ બ્રેંડે કહ્યું કે આ બેઠક સૌથી જટિલ અને સૌથી પડકારજનક ભૌગોલિક રાજકીય અને ભૌગોલિક-આર્થિક પરિદ્રશ્યમાં થઈ રહી છે. આ દરમિયાન બ્રાન્ડેએ ભારતને આઠ ટકાથી વધુ જીડીપી ધરાવતો મુખ્ય દેશ ગણાવ્યો હતો. આ વર્ષની મીટિંગની થીમ છે- રીબિલ્ડિંગ ટ્રસ્ટ