આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)થી સમગ્ર વિશ્વની ૪૦ ટકા નોકરીઓ પર અસર પડશે તેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના નવા એનાલિસિસમાં દાવો કરવામાં આવ્યો છે. આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એઆઇથી અસમાનતામાં વધારો થવાનો હોવાથી નીતિ નિર્માતાઓએ સામાજિક તંગદિલી વધતા અટકાવવાના પ્રયત્નો કરવા પડશે.
આઇએમએફના જણાવ્યા અનુસાર વિકસિત અર્થતંત્રોમાં એઆઇથી ૬૦ ટકા નોકરીઓ પર અસર થશે. જો કે આઇએમએફના જણાવ્યા અનુસાર એઆઇ ઉત્પાદન વધારવા અને વૈશ્વિક વિકાસને વેગ આપવાની તક પણ પૂરી પાડશે. એઆઇ એપ્લિકેશનન્સ માનવીઓ દ્વારા હાલમાં કરવામાં આવતા મહત્ત્વપૂર્ણ કાર્યો કરી શકશે જેનાથી શ્રમિકોની માગ ઘટી જશે. માગ ઘટી જવાને કારણે પગાર અને કર્મચારીઓનું ભરતીનું પ્રમાણ ઘટી જશે. કેટલીક નોકરીઓ કાયમ માટે અદ્રશ્ય થઇ જશે.
વિકાસશીલ દેશો અને ઓછી આવકવાળા દેશોમાં એઆઇથી અનુક્રમે ૪૦ ટકા અને ૨૬ ટકા નોકરીઓ પર અસર પડશે. આ દાવો દર્શાવે છે કે વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ અને ઓછી આવકવાળા દેશોમાં એઆઇથી નોકરી પર પડનારી અસર ઓછી હશે. આઇએમએફએ વધુમાં જણાવ્યું છે કે વિકાસશીલ અને ઓછી આવકવાળા દેશો પૈકી મોટા ભાગના દેશો પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્કીલ ધરાવતા કર્મચારીઓ નહીં હોય જેની મદદથી એઆઇનો લાભ લઇ શકાય. જેના કારણે વિકસિત અને વિકાસશીલ તથા ઓછી આવકવાળા દેશો વચ્ચેની અસામનતા વધશે.
એઆઇથી દેશો વચ્ચે આવક અને સંપત્તિની અસામાનતા પણ વધશે. આઇએમએફનું માનવું છે કે એઆઇના કારણે ઉંચી આવકવાળા યુવાન કર્મચારીઓના પગાર વધારે હશે જ્યારે જૂના અને ઓછી આવકવાળા કર્મચારીઓના પગાર ઓછા હશે. આઇએમએફના એમડીએ અંતમાં જણાવ્યું હતું કે વિશ્વના દેશોએ સામાજિક સલામતી વધારવાની જરૂર છે. નબળા અને સ્કીલ વગરના કર્મચારીઓને વિશેષ પ્રકારની તાલીમ આપવાની જરૂર છે.