સુરતમાં ભુમાફિયાની છાપ ધરાવતા અને હાલ પોલીસ ચોપડે ભાગેડુ બનેલા ઘનશ્યામ ભગત સુતરીયા ઉર્ફે જમરાળા વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. વધુ એક ગુનામાં મૃતકની ખોટી સહી અને પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવાના કિસ્સામાં સંડોવણી સામે આવી છે. સિંગણપુર પોલીસે તાત્કાલિક ઘનશ્યામ ભગત ઉર્ફે જમરાળાના નજીકના સગાની નિલેશ મોરડિયાની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઘનશ્યામ ભગત તેની પત્ની અને પુત્ર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ઘનશ્યામ ભગત ઉપર પ્રથમ ફરિયાદ થયા બાદ ઉપરાઉપરી ફરિયાદો સામે આવી હતી. જેમાં ઘનશ્યામ ભગત પોતાની શકુની ચાલથી ઘણા લોકોની જમીન પચાવી પાડી છે. ઘનશ્યામ ભગત અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદી તરફે પોલીસને તપાસ માટે અરજી કરવામાં આવી હતી. જેના કારણે ઘનશ્યામ સુતરીયા અને તેની પત્ની તેમજ દીકરા વિરુદ્ધ વધુ બે ફરિયાદ દાખલ કરવામાં સફળતા હાથ લાગી છે અને ફરિયાદીઓને ન્યાય મળવાની સંભાવનાઓ વધી ગઈ છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ઘનશ્યામ ભગત અને તેના પરિવાર દ્વારા આચરવામાં આવેલા આ તમામ ગુનાઓની તપાસ એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમ) મારફતે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ત્રણ ત્રણ પોલીસ ફરિયાદોનો સામનો કરી રહેલો ઘનશ્યામ ભગત અને તેનો પરિવાર હાલ તો ભાગેડું બનીને આગોતરા જામીન મેળવવાના પ્રયાસ કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.