ઉત્તર પ્રદેશ પોલીસે અયોધ્યામાં આતંકવાદી યોજનાઓને નિષ્ફળ બનાવી છે. અહીં યુપી પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે 3 શંકાસ્પદોની ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પોલીસ ધરપકડ કરાયેલા લોકોની પ્રોફાઇલ વિશે વધુ ખુલાસો કરી રહી નથી. ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે અને 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા તેઓ અયોધ્યામાં હોવા પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું છે.
ઉત્તર પ્રદેશના વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું કે આગામી શ્રી રામ મંદિરની ઉજવણીને કારણે સમગ્ર રાજ્યમાં વિશેષ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન, ગુરુવારે ઉત્તર પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીની એક ટીમ અયોધ્યામાં તપાસ કરી રહી હતી. અહીં ત્રણ શંકાસ્પદ મળી આવ્યા હતા, જેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને અયોધ્યામાં તેમની હાજરીની ખાતરી કરવામાં આવી રહી છે. હાલ તે પ્રાથમિક તપાસમાં સહકાર આપી રહ્યાં નથી. પરંતુ તેમની પૂછપરછ બાદ તેમના અયોધ્યામાં હોવાના કારણ અને તેમનાં પોલીસ ડોઝિયરમાં તેના જૂના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ
મળતી માહિતી મુજબ 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે અયોધ્યામાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. અહીં પોલીસ આધુનિક નાઇટ વિઝન ઉપકરણો અને મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરીને દરેક ખૂણા પર કડક નજર રાખી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અયોધ્યા રામ મંદિર પરિસર અને અન્ય વિસ્તારોમાં નાઇટ વિઝન કેમેરા અને ડ્રોન વડે દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો નજીકમાં હાજર પોલીસની ટીમ તરત જ તેની તપાસ કરે છે. આખી અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિક પોલીસ ઉપરાંત અહીં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.