માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા અને તેમના પ્રધાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાને કારણે હજુ પણ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. તેમની સામે હવે તેમના જ દેશમાં રોષ ફેલાયો છે. રાજદ્વારી વિવાદને કારણે ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે, માલદીવમાં બે વિપક્ષી પાર્ટીઓ મુઈઝુ સરકારના તેના ભારત વિરોધી વલણને લઈને સામે આવી છે. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સે સંયુક્ત રીતે એક પ્રેસ નિવેદન બહાર પાડ્યું. તેમણે દેશની વિદેશ નીતિમાં આવેલા પરિવર્તનને માલદીવ માટે ‘અત્યંત નુકસાનકારક’ ગણાવ્યું છે.
માલદીવના બંને વિરોધ પક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે “અમારા સૌથી જૂના સાથીને અલગ પાડવું દેશના લાંબા ગાળાના વિકાસ માટે અત્યંત હાનિકારક હશે”. વિપક્ષે ભાર મૂક્યો હતો કે “માલદીવની સ્થિરતા અને સુરક્ષા માટે હિંદ મહાસાગરની સુરક્ષા મહત્વપૂર્ણ છે.” એમડીપી અને ડેમોક્રેટ્સ બંનેએ મુઇઝુ સરકારને “માલદીવના લોકોના લાભ અને ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય પગલાં લેવા માટે હાકલ કરી હતી.”
બંને પક્ષોએ સંયુક્ત રીતે કહ્યું કે ભારત સાથેના ઐતિહાસિક સહયોગમાંથી ખસી જવાથી દેશની સ્થિરતા અને પ્રગતિને સંભવતઃ જોખમમાં મુકી શકે છે. તાજેતરમાં જ રોઇટર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનનું એક જાસૂસી જહાજ માલદીવ તરફ આગળ વધી રહ્યું છે. જેના પર મુઈઝુ સરકારે આ જહાજને એન્ટ્રી માટે લીલી ઝંડી આપી દીધી છે.