ખોટા આધારકાર્ડ, લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને 200 કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને 30 કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે. CGSTએ 8 સ્થળે તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું. સીજીએસટીએ આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપી છે.
બોગસ આધારકાર્ડ, લાઇટ બિલ અને ભાડા કરાર ખોટા બનાવી પેઢીઓ ઊભી કરી બેંકમાં ખોટા ખાતાઓ ખોલાવીને જીએસટી નંબર મેળવ્યો હતો. આ આઠેય પેઢીઓમાં 200 કરોડથી વધુના બોગસ જીએસટી બિલો બન્યા હોવાનું સામે આવ્યું છે. તેની આઇટીસી આશરે 30 કરોડની છે. સેન્ટ્રલ જીએસટીએ કરોડોના ટ્રાન્ઝેકશનો થતા હોય અને આઈટીસી બાકી હોય તેવી કંપનીઓના સ્થળ પર જઈ તપાસ કરી હતી, જેમાં આઠેય પેઢીઓના એડ્રેસ પર તપાસ કરતા આવી કોઈ પેઢી ન હતી. હાલમાં આ કેસની ઈકોસેલે તપાસ શરૂ કરી છે.