છેલ્લા 7 વર્ષથી જાહેરહિતની અરજી નહીં ચલાવનાર હાઈકોર્ટના એડવોકેટને ચીફ જસ્ટિસની ખંડપીઠે 7 લાખનો દંડ ફટકાર્યો છે. 2017થી કેસની સુનાવણી કરવાને બદલે માત્ર મુદતો લેવા બદલ ખંડપીઠે આકરી ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે ટકોર કરી હતી કે, જાહેરહિતને બદલે તમારો અંગત હેતુ વધુ જણાઇ આવે છે. કોર્ટનો કીમતી સમય બગાડવા અને પોતાનો હેતુ બર ના આવે તો અરજી પાછી ખેંચી લેવાના વલણને ચલાવી લેવાશે નહીં. ખંડપીઠે અગાઉ 10 લાખનો દંડ નક્કી કર્યો હતો પરતું 7 વર્ષ થયા હોવાથી 7 લાખ દંડ ફટકાર્યો છે.
ખાનગી કંપનીને જમીન પર ઔદ્યોગિક એકમ સ્થાપવા માટે કરાયેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટે અરજદારની સૂચના મેળવવા સમયની માગણી કરતા કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે, છેલ્લા 7 વર્ષથી તમે મુદતો લીધા કરી છે, કયારેય કેસ ચલાવ્યો જ નથી. કોર્ટે તમામ રેકોર્ડ તપાસતા ઝાટકણી કાઢી હતી કે, અમારી પાસે અરજી ફગાવવાના પૂરતા કારણો છે. પણ તમારો ઇરાદો આ અરજી કરવા માટે જુદો જ છે.
7 વર્ષમાં કયારેય તમે કેસ ઝડપથી ચલાવવા માટેની અરજી પણ કરી નથી. શું તમે પાછલા વર્ષો પાછા લાવી શકશો? તમારી કોઇ જવાબદારી કે વિશ્વસનીયતા નથી? તમે તમારા અંગત સ્વાર્થને સાધવા કેસ ચલાવો સફળ ના થાઓ તો અરજી પાછી ખેચી લેવાની? લોકોના હિત સાથે શા માટે રમો છો? જયારે તમે કોર્ટનો સમય બગાડો છો ત્યારે અનેક લોકોનો ન્યાય પણ વિલંબમાં મુકાઇ જાય છે.
ખંડપીઠે ટકોર કરી હતી કે, આવા કેસ કરનાર વકીલને ખબર હોવી જોઇએ કે કોર્ટના સ્ટાફ અને કોર્ટનો કિંમતી સમય વેડફવાની કિંમત શું હોઇ શકે? હાઇકોર્ટ પહેલા 10 લાખનો દંડ નક્કી કર્યો હતો પરતું તમે 7 વર્ષ કેસ નથી ચલાવ્યો એટલે 7 લાખ દંડ ફટકારીએ છીએ. હજુ દલીલ ચાલુ રાખશો તો અમે દંડની રકમ વધારતા જઇશું. કોર્ટે અરજી ફગાવીને એક વર્ષના 1 લાખ પેટે 7 લાખ દંડ 1 મહિનામાં ચૂકવી દેવા આદેશ કર્યો છે.