મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે એક પક્ષકાર અને હિન્દૂ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને ત્રણ કારતૂસો સાથે જીવથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. ધમકી મળ્યા બાદ પૂર્વ દિલ્હી જિલ્લા પોલીસે ફરિયાદ નોંધી છે.
હિન્દૂ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાનું કહેવું છે કે તેના પૂર્વ દિલ્હી સ્થિત ઘરે એક પાર્સલ આવ્યું હતું, તેમાં ત્રણ જીવતા કારતૂસ સાથે જીવથી મારી નાખવાની ધમકી આપતો પત્ર છે. પત્ર પાર્સલ તેના મધુ વિહાર IP એક્સટેન્શન ધરાવતા એડ્રેસ પર મોકલવામાં આવ્યો છે.
ધમકી આપતા પત્રમાં લખ્યુ છે, ‘બાબરી તો શહીદ થઇ ગઇ હવે કોઇ મસ્જિદને શહીદ નહીં થવા દઇએ. વિષ્ણુ ગુપ્તા તૂ ઇદગાહ મસ્જિદ મથુરાનો કેસ પરત લઇ લે! નહીં તો તને જીવથી મારી નાખીશું. તુ એટલો સમજદાર તો હશે કે જ્યારે આ ત્રણ ગોળીઓ તારી પાસે પહોંચી ગઇ છે તો ચોથી ગોળી તારા માથામાં પહોંચાડવામાં સમય નહીં લાગે.’
મહત્ત્વપૂર્ણ છે કે કાશી અને મથુરાનો વિવાદ અયોધ્યા જેવો જ છે. હિન્દૂઓનો દાવો છે કે કાશી અને મથુરામાં ઓરંગઝેબે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવડાવી હતી. ઓરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિર તોડાવ્યું હતું અને 1670માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડવાનો આદેશ જાહેર કર્યો હતો. તે બાદ કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી.






