સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગત 13 જાન્યુઆરીનાં દિવસે પાડેલા દરોડામાં દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપીના બદલે સરખું નામ ધરાવતા ઈસમને ઝડપી જેલમાં ધકેલી દેવાયો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેને લઇ પોલીસ તંત્રમાં ખડભડાટ મચ્યો છે જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઊઠયા છે અને તાત્કાલિક તપાસ હાથ ધરી છે.
અગાઉ રાજ્યના પોલીસ વડાએ ખુદ અંગત રસ લઈ આ મામલામાં જવાહરનગર પીઆઈ એમ.એન.શેખને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આ મામલાની તપાસ ચલાવી રહેલ સયાજીગંજ પોલીસ મથકના અધિકારીઓ કર્મીઓની બેદરકાર કે મિલીભગતમાં આ થયું હોવાનું બહાર આવ્યું છે. જેમાં ફરાર આરોપી તરીકે ફરિયાદમાં નોંધાયેલા માથાભારે કૃણાલ રમણભાઈ કહારનાં બદલે કૃણાલ અશોકભાઈ ગોડીયા ઉર્ફે કહારને ઝડપી જેલમાં ધકેલી દેવાયો હોવાનું બહાર આવ્યું છે.
13 જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા – જવાહરનગર પોલીસ મથક વિસ્તારના આવેલા રણોલી જીઆઈડીસી પ્લોટ નંબર 12માં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગોવાથી ટ્રક દ્વારા લેવાયેલો ઈંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો ઉતરતો હતો એ સમયે જ એસએમસી ત્રાટકી હતી અને ચાર ઇસમોને ઝડપી પાડયા હતા અને દારૂની 24 હજાર ઉપરાંત બોટલો મળી ટ્રક સહિત 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દરોડા સમયે પકડાયેલા આરોપીમાં સુરેન્દ્ર યાદવ, રવિકાન્ત રજાવત, પૂનમ ઉર્ફે મુન્નું અશોકભાઈ કહાર, સમીજીત ગોપાલન ઝડપાઈ ગયા હતા. આ અંગે જવાહરનગર પોલીસ મથકે એસએમસીએ નોંધાવેલી ફરિયાદમાં ફરાર આરોપીમાં અમિત ઉર્ફે ભયો મુકેશભાઈ દરજી ગોડાઉન રાખી દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરાવનાર, ધવલ ઉર્ફે મુન્નો સુભાષભાઈ જયસ્વાલ (રહે. સાવલી) દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપીનો ભાગીદાર, કૃણાલ રમણભાઈ કહાર (રહે. કિશનવાડી) દારૂ મંગાવનાર મુખ્ય આરોપીનો ભાગીદાર સહિત ટ્રક માલિક અને એક્ટિવાના માલિકને ફરાર જાહેર કર્યા હતા.
આ મામલાની ક્રોસ તપાસ સયાજીગંજ પોલીસ મથકે સોંપવામાં આવી હતી જેમાં પીએસઆઈ દિલીપ પાટીલ તપાસ ચલાવી રહ્યા હતા ત્યાર બાદ પીએસઆઈ અનિલ બારોટને તપાસ સોંપવામાં આવી હતી આ મામલામાં અત્યાર સુધી સાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં કૃણાલ રમણભાઈ કહાર (રહે. કિશનવાડી)ને બદલે કૃણાલ અશોકભાઈ ગોડીયા (કહાર)ને ઝડપી ગત 31મી તારીખે જેલમાં ધકેલી દેવાયો છે. સવાલ એ ઊભો થાય છે કે ઝડપાયેલા આરોપીએ અદાલતને ગેરમાર્ગે દોરી કે પોલીસે ગોઠવણ કરીને અન્ય ઈસમને આરોપી બનાવી જેલમાં ધકેલી કુણાલ કહારને બહાર રહેવાની સુવિધા કરી આપી.
દારૂનો જથ્થો મગાવનાર મુખ્ય આરોપીનો ભાગીદાર કૃણાલ રમણભાઈ કહાર (કિશનવાડી) છે, જે નામચીન સૂરજ ચૂઈ કહારનો ભાઈ છે. જ્યારે જેલમાં ધકેલાયેલા આરોપીનું નામ કૃણાલ અશોકભાઈ ગોડીયા (કહાર) (ઉકાજીનાં વાડિયા) લખેલું છે અને આધારકાર્ડ ભાવનગરનું છે. સયાજીગંજ પી.આઈ આર.જી જાડેજાએ જણાવ્યું છે કે, દરોડા અંગેના મામલાની તપાસ ચાલી રહી હતી એ દરમ્યાન કૃણાલ અશોકભાઈ ગોડીયા (કહાર) રહે ઉકાજીના વાડીયા વાઘોડિયા રોડ અદાલતમાં હજાર થતાં તેને સયાજીગંજ પોલીસ મથકે લવાયો હતો. પિતાનું નામ અને અટક જુદી હશે તો વેરીફીકેશન કરવામાં આવશે.





