કર્ણાટકનાં રાયપુર જિલ્લાનાં એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક મૂર્તિ મળી છે. જેમાં બધા જ દશાવતારની આભા ચારે બાજુ કોતરેલી છે. આ મૂર્તિ સાથે એક શિવલિંગ પણ મળી આવ્યું છે. અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણા નદીથી મળેલી આ મૂર્તિ, અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ જેવી જ દેખાય છે.
રાયપુર યુનિવર્સિટીનાં પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વનાં લેક્ચરર ડો. પદ્મજા દેસાઈએ ભગવાન વિષ્ણુની આ મૂર્તિ વિશે જણાવ્યું છે કે કૃષ્ણા નદીમાં મળી આવેલી આ મૂર્તિમાં ઘણી વિશેષતાઓ છે. તેમણે જણાવ્યું છે કે આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ આભા, મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહા, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ જેવા દશાવતારને દર્શાવવામાં આવ્યા છે. આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ ઊભી સ્થિતિમાં છે અને તેમની ચાર ભુજાઓ છે. તેમના ઉપરના બંને હાથમાં શંખ અને ચક્ર છે તો નીચેના હાથમાં [કટી હસ્ત અને વરદા હસ્ત] વરદાન આપવાની સ્થિતમાં છે.
એક પ્રસિદ્ધ પુરાતત્વવિદે જણાવ્યું છે કે, આ મૂર્તિ વેંકટેશ્વરથી મળતી આવે છે. જેમ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે એ રીતે આ મૂર્તિમાં ગરુડ નથી. જે ખાસ કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિમાં જોવા મળે છે. તેના બદલે બે મહિલાઓ છે. તેમણે વિશેષમાં જણાવ્યું કે ભગવાન વિષ્ણુને તૈયાર થવાનો શોખ છે એટલા માટે ભગવાન વિષ્ણુની આ મૂર્તિને માળા અને આભૂષણથી શણગારવામાં આવી છે. ડો. પદ્મજા દેસાઈનું કહેવું એવું છે કે, આ મૂર્તિ કોઈ મંદિરનાં ગર્ભ ગૃહની શોભા રહી હશે. એવું જણાય રહ્યું છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે આ મૂર્તિને પાણીમાં ફેકી દેવામાં આવી છે. તેમનું માનવું એવું છે કે આ મૂર્તિ 11 મી કે 12મી સદીની છે.