ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ પ્રશાસનની ટીમ પર બદમાશોએ કરેલા હુમલામાં બે લોકોના મોત થયા હતા. બાનભૂલપુરામાં આ હિંસા બાદ ત્યાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આ હિંસા બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન નૈનીતાલના DM વંદના સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. DM વંદના સિંહે કહ્યું કે, પોલીસ ટીમ પર ષડયંત્રના ભાગરૂપે હુમલો કરવામાં આવ્યો છે.
DM વંદના સિંહે કહ્યું, ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસ સ્ટેશનની અંદર હાજર લોકોને બહાર આવવા દેવામાં આવ્યા ન હતા. તેમના પર પહેલા પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. પોલીસ સ્ટેશનની બહાર વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને ધુમાડાના કારણે લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા.પોલીસ સ્ટેશનની જ સુરક્ષા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાણભૂલપુરામાં હિંસા બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 100થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે.