પંજાબ અને હરિયાણાના ખેડૂત પોતાની માંગને લઇને દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર રોકવામાં આવ્યા છે. ખેડૂતોને રોકવા માટે મંગળવારે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. દિલ્હી સાથે જોડાયેલી સિંધુ બોર્ડર ટીકરી બોર્ડર, ગાજીપુર બોર્ડર પર ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. આ સરહદો પર સીમેન્ટ અને લોખંડની બેરિકેડ લગાવવામાં આવી છે. આ સિવાય ખેડૂતોને રોકવા માટે કાંટાળા તાર અને કન્ટેનર પણ મુકવામાં આવ્યા છે. ખેડૂતોએ કહ્યું હતુંકે તે ફરી દિલ્હીમાં ઘુસવાનો પ્રયાસ કરશે. ખેડૂતો પર પોલીસની કાર્યવાહીને લઇને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યુ છે.
ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને જોતા ટિકરી-સિંધુ અને ઝરોડા બોર્ડરની સરહદને પુરી રીતે સીલ કરવામાં આવી છે જેથી ખેડૂત પોતાના ટ્રેક્ટર અને ટ્રોલીથી પાટનગરમાં ના ઘુસી શકે. યુપીની સાથે જોડાયેલી ચિલ્લા-ગાજીપુર બોર્ડરને પણ સીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ તરફથી એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર બેરિકેડ્સ, લોખંડના ખિલા અને કોંક્રીટના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે.
પંજાબ-હરિયાણા સરહદ પર ભેગા થયેલા ખેડૂતોને અલગ કરવા માટે પોલીસ તરફથી વોટર કેનન અને ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે આ દરમિયાન 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. કિસાન યૂનિયન તરફથી દાવો કરવામાં આવ્યો કે પોલીસની કાર્યવાહીમાં 100થી વધુ ખેડૂત ઘાયલ થયા છે.
ખેડૂતોના પ્રદર્શનને જોતા કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે બે વખતની ખેડૂતો સાથે વાતચીતમાં કોઇ પરિણામ આવ્યું નથી. સમાધાન માટે ચર્ચા જરૂરી છે, તેમણે કહ્યું કે વાતચીતથી જ સમાધાન શક્ય છે. અમે રાજ્ય સરકારો સાથે વાત કરીને રસ્તો કાઢવા માટે તૈયાર છીએ.