રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની ચોથા રાઉન્ડની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓએ 4 પાક મકાઈ, કપાસ, તુવેર અને અડદ પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને પાંચ વર્ષ માટે સહકારી મંડળીઓ દ્વારા ખરીદવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ 5 વર્ષનો કોન્ટ્રાક્ટ NAFED અને NCCF સાથે રહેશે.
કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતોની બેઠક રવિવારે સાંજે 8:30 કલાકે શરૂ થઈ હતી અને 5 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, નિત્યાનંદ રાય, પીયૂષ ગોયલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન, ખેડૂત નેતા સરવન સિંહ પંઢેર, જગજીત સિંહ ડલ્લેવાલ હાજર હતા. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ 19 અને 20 ફેબ્રુઆરીએ તમામ જૂથો સાથે ચર્ચા કરશે. આ પછી, અમે 20મીએ સાંજે અમારો નિર્ણય જાહેર કરીશું. 21મીએ સવારે 11 વાગ્યા સુધી દિલ્હી કૂચને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. બીજી તરફ, આંદોલનના છઠ્ઠા દિવસે શંભુ અને ખનૌરી બોર્ડર પર શાંતિ હતી, પરંતુ BKU ઉગરાહાં દ્વારા વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું.