સુરતના કામરેજ ગામે 23 વર્ષીય હોટેલ માલિક યુવક શુભમ રામાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં યુવકે અંતિમ વિડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેના હોટેલના પૂર્વ ભાગીદાર જાગો અને ભાર્ગવ નામના બે શખ્સો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. યુવકના આપઘાતના પગલાંને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
કામરેજ ગામે આવેલ વાસ્તુ રો-હાઉસમાં રહેતા અને ટેસ્ટ ટકાટક નામની હોટેલ ચલાવી પરિવારને આર્થિક મદદ કરતા 23 વર્ષીય શુભમ રામાણીએ પોતાના જ ઘરે ઝેર ગટગટાવી લીધું હતું અને થોડીક ક્ષણોમાં યુવકને ઉલ્ટી શરૂ થતાં પરિવાર દ્વારા તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ શુભમનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
શુભમે આપઘાત કરતા પહેલા એ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં હતો જે વિડિયો પરિવારને ધ્યાને આવતા પરિવાર પણ ચોંકી ગયો હતો. આ વીડિયોમાં શુભમે પોતાની હોટેલના પૂર્વ બે ભાગીદાર જાગો અને ભાર્ગવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વીડિયોમાં શુભમે જણાવ્યું હતું, “અજાણ્યા માણસો પર ક્યારેય ભરોસો ન કરાય, એ ભરોસો તમને ક્યારેક લઈ ડૂબે, આવી જ હાલત મારી થઈ છે. મે હોટલ ચાલુ કરી જાગા અને ભાર્ગવ પર ભરોસો કર્યો હતો. સમય સંજોગ પ્રમાણે એ છુટ્ટા પણ પડી ગયા છતાં એ લોકોનું બ્લેકમેઇલ, ટોર્ચરિંગ એ હદ સુધી કે કોઈ સોલ્યુશન આવ્યું નહિ,અને મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું.”
યુવકના આપઘાતના પગલાંને લઇને હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે અને આરોપીઓને કડક કાર્યવાહી કરે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. બનાવને પગલે કામરેજ પોલીસે મૃતક યુવકના પરિવારજનોના, મિત્રોના અને હોટેલ મેનેજરના નિવેદનો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતક યુવક શુભમ રામાણીના પરિવારજનોની ફરિયાદ આધારે જાગો અને ભાર્ગવ નામના બે શખ્સો વિરૂદ્ધ IPC કલમ 306 અને 114 મુજબનો ગુનો દાખલ કરી બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.