વેનેઝુએલામાં ખાણમાં ધસી પડવાથી 20થી વધુ મજૂરોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે હજુ પણ ઘણા કામદારો ખાણની અંદર ફસાયેલા હોવાનું કહેવાય છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ ઘટના સોનાની ખાણમાં ખોદકામ દરમિયાન બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બોલિવર રાજ્યની “બુલા લોકા” ખાણમાં મંગળવારે બની હતી, જે નજીકના શહેર લા પેરાગ્વેથી સાત કલાક દૂર સ્થિત છે. એંગોસ્તુરા મ્યુનિસિપાલિટીના મેયર યોર્ગી આર્કિનીગાએ બુધવારે મોડી રાત્રે એએફપીને જણાવ્યું હતું કે 20 વધુ મૃતદેહો મળી આવ્યા છે. સ્થળ પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સિવિલ પ્રોટેક્શન ડેપ્યુટી મિનિસ્ટર કાર્લોસ પેરેઝ એમ્પ્યુડાએ ટ્વિટર પર આ ઘટનાનો વિડિયો જારી કર્યો હતો અને મૃતકોની સંખ્યા વધુ વધવાની આશંકા વ્યક્ત કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સમયે ખાણમાં લગભગ 200 લોકો કામ કરી રહ્યા હતા.