નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે તેની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. GCMMFની સ્વર્ણિમ જયંતિની તમને ખૂબ શુભકામનાઓ. દરેક મહિલાઓનું હું અભિવાદન કરૂ છું. આઝાદી પછી દેશમાં બહુ જ બ્રાન્ડ બની પણ અમુલ જેવું કોઈ નહીં, અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની પ્રેરણા, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ. આજે દુનિયાના 50 દેશમાં અમુલની પ્રોડક્ટ નિકાસ થાય છે. 36 લાખ ખેડૂતોનું નેટવર્ક રોજ 200 કરોડનું ઓનલાઈન પેમેન્ટ થાય છે જે આસાન નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજનો અવસર સહકારથી ચરિતાર્થ કરવાનો છે. સહકારી ક્ષેત્રની તાકાત કેટલી મોટી છે એ આજનો અવસર દેખાડી રહ્યો છે. દેશની આઝાદી માટે ગુજરાતના બે પનોતા પુત્ર ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ભૂમિકા ભજવી હતી. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશની વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યા છે. 36 લાખ પશુપાલકો વિશ્વનો સૌથી મોટો પરિવાર બની ગયો છે. દૂધના વેપારમાંથી લાભ મળે છે તે સાથે દેશમાં સૌનો સાથ સૌના વિકાસમાં સહભાગી બન્યો છે. બે દાયકામાં રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બમણી થઈ છે. જેમાં 11 લાખ જેટલી તો નારીશક્તિ છે. આ પશુપાલક માતાઓ અને બહેનો લાખો કરોડોની આવક મેળવી પરિવારને મદદરૂપ બની રહી છે. દેશની આર્થિક સ્થિતિ ઉંચી લાવવામાં દૂધનું ઉત્પાદકોનો સહયોગ છે. ભારતની આ ડેરી વિશ્વની ડેરી તરીકે ઓળખ બનશે.
GCMMFના પ્રમુખ શ્યામલભાઈ પટેલે જણાવ્યું હતું કે, બધાને મારા રામ રામ… ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકોનો આભાર માનું છું. વિશ્વના દેશો આજે ભારતને મોટા બજાર તરીકે જોઇ રહ્યા છે. ઘણા ખેડૂત ભાઈઓ-બહેનો ગઈકાલે સાંજથી નિકળી ગયા હતા. વડાપ્રધાન પહેલીવાર અમુલ ડેરીના કાર્યક્રમમાં હાજર રહ્યા છે. 1973માં સ્થપાયેલી અમુલ આજે વિશ્વની આઠમી ડેરી બની છે. ગુજરાત સૌથી વધુ દૂધ ઉત્પાદકોમાંના રાજ્યમાંનું એક છે. આપના સૌનો સહયોગ અમુલને મળી રહેશે.