ચીનના એક હેકર ગ્રૂપે ભારત સરકારના મોટાભાગના વિભાગોના દસ્તાવેજો હેક કર્યાનો તેમજ રાષ્ટ્રપતિ કાર્યાલય, વડાપ્રધાન કાર્યાલય (PMO)થી લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને EPFO સહિત ઘણી મોટી કંપનીઓની વેબસાઈટ નિશાના પર હોવાનો દાવો છે. મીડિયા અહેવાલો મુજબ ચીન સરકાર સાથે જોડાયેલા હેકિંગ ગ્રૂપ iSoonએ તાજેતરમાં જ હજારો દસ્તાવેજ, તસવીરો અને ચેટ મેસેજ ગિટહબ પર પોસ્ટ કર્યા હતા.
અહેવાલો મુજબ હેકર ગ્રૂપના બે કર્મચારીઓએ જણાવ્યું કે, આ મામલે ફાઈલો કેવી રીતે લીક થઈ તેની ચીન પોલીસ તપાસ કરી રહી છે. એક કર્મચારીએ જણાવ્યું કે, લીક મામલે 21 ફેબ્રુઆરીએ iSoonની બેઠક યોજાઈ હતી. તેમાં જણાવાયું હતું કે, આ ઘટનાથી બિઝનેસ પર કોઈ અસર નહીં પડે અને કામકાજ સામાન્ય રીતે ચાલુ રહેશે. લીક કરાયેલા દસ્તાવેજો મંદારિન ભાષામાં હોવાનું સામે આવ્યા બાદ હેકર્સની મોડસ ઓપરેન્ડી અને ટાર્ગેટની માહિતી પણ સામે આવી છે. નાટોથી લઈને યુરોપીયન સરકારો અને પાકિસ્તાનની ખાનગી સંસ્થાઓ પણ હેકર્સના નિશાના પણ હતી.
રિપોર્ટ મુજબ લીક થયેલા ડેટામાં ભારતનું નાણા મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રપતિનું ગૃહ મંત્રાલય સહિત ઘણા વિભાગો ટાર્ગેટ પર હોવાનો ઉલ્લેખ છે. આઈસુનના આંતરિક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, ભારત દ્વારા સંચાલિત પેન્શન ફંડ મેનેજર, કર્મચરી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), ભારત સંચાલ નિગમ લિમિટેડ (BSNL), એર ઈન્ડિયા અને એપોલો હોસ્પિટલના યુઝર્સની ડેટાની પણ કથિત ચોરી કરવામાં આવી હતી.
ચીનના નિશાના પર દોસ્તથી લઈ દુશ્મન સુધીના તમામ લોકો છે. ભારત ઉપરાંત બિજિંગે પોતાના મિત્ર પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું છે. ચાઈનીઝ હેકર્સના અન્ય ટાર્ગેટોમાં નેપાળ, મ્યાનમાર, મંગોલિયા, મલેશિયા, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, થાઈલેન્ડ, કઝાકિસ્તાન, તુર્કી, કંબોડિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. લીક કરાયેલા ડેટા મુજબ હેકર્સે મે 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચે પાકિસ્તાનના પંજાબમાં પ્રાંતમાં આવેલા આતંકવાદી વિરોધી કેન્દ્રમાંથી 1.43GB ડેટાની ચોરી કરી હતી.