ગૂગલના એઆઈ ટૂલ જેમિનીએ પીએમ મોદીને ફાસીવાદી ગણાવ્યા છે. નેટિઝન્સ આ જવાબને પક્ષપાતી ગણાવી રહ્યા છે. કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશખેરે તેને દેશના આઈટી કાયદાના ભંગ સમાન ગણાવ્યો છે. એક યુઝરે ગૂગલના એઆઈ ટૂલ જેમિનીને સવાલ કર્યો હતો કે, શું મોદી ફાસીવાદી છે? તેના જવાબમાં જેમિનીએ જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને ભાજપના નેતા છે. તેમના પર કેટલીક એવી નીતિઓ લાગુ કરવાનો આરોપ મૂકાતો રહ્યો છે, જેને કેટલાક નિષ્ણાતો ફાસીવાદી માને છે. આ આરોપ અનેક આધાર પર મૂકાયા છે, જેમાંથી એક ભાજપની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ છે.
ગૂગલના એઆઈ ટૂલના આ જવાબ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. અનેક લોકોએ આ જવાબ અંગે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગીનું અન્ય એક કારણ એ પણ છે કે એઆઈ ટૂલ જેમિનીને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અંગે સવાલ પૂછવામાં આવ્યો તો એઆઈ અસ્પષ્ટ જવાબ આપ્યો હતો. આથી, સોશિયલ મીડિયા યુઝર્સ એ બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે કે ગૂગલનું એઆઈ ટૂલ આવી રીતે પક્ષપાતપૂર્ણ જવાબ કેવી રીતે આપી શકે છે.
જેમિનીએ આપેલા જવાબને એક ટ્વિટર યુઝરે એમ કહેતા શૅર કર્યો કે, ગૂગલનું જેમિની માત્ર વોક નથી, પરંતુ સ્પષ્ટપણે દુર્ભાવનાપૂર્ણ છે. ભારત સરકારે આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. આ અંગે આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જવાબ આપ્યો અને લખ્યું કે, આ સ્પષ્ટરૂપે આઈટી નિયમોનો ભંગ છે. આ સિવાય પણ દેશના અનેક કાયદાઓનો ભંગ થાય છે. રાજીવ ચંદ્રશેખરે તેમની ટ્વીટમાં ગૂગલ અને તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પણ ટેગ કર્યા હતા. આ પહેલાં ઈલોન મસ્કે પણ ગૂગલની એઆઈ ઈમેજ જનરેશન એન્જિનને રંગભેદની નીતિવાળુ ગણાવ્યું હતું.