હવે રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ કમિશનર સામે ટેક્નિકલ આરટીઓ અધિકારીઓએ બાંયો ચડાવી છે. આરટીઓના ટેક્નિકલ અધિકારીઓ દ્વારા અગાઉ વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોતાની માગ સ્વીકારવા કહ્યું હતું, પરંતુ તેમની માગને હકારાત્મક પ્રતિસાદ ન મળતાં આરટીઓના ટેક્નિકલ અધિકારીઓ સરકાર સામે પડ્યા છે.
કેટલાક આરટીઓ અધિકારીઓના પ્રોબેશન પિરિયડનાં 3થી 10 વર્ષ પૂર્ણ થયાં હોવા છતાં પણ હુકમ ન કરતાં આ પ્રકારના 38 અધિકારીના હુકમ કરાવવાની માગ કરવામાં આવી છે. મોટર વાહન ખાતામાં ઇન્સ્પેક્ટરોને વાહન ચેકિંગની ફરજમાં અગવડતા પડતી હોય એનું નિરાકરણ લાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ ટ્રેકની ટેસ્ટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આવી સમસ્યાઓમાં ફરિયાદ કરવામાં આવે તો સુવિધાના અભાવે આરટીઓ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એનો પણ રોષ આરટીઓ અધિકારીઓમાં જોવા મળ્યો હતો. આવી અનેક રજૂઆતોને ધ્યાનમાં રાખીને પત્ર લખવામાં આવ્યો હતો.