લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એવી ચર્ચા છે કે, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ નારણભાઈ રાઠવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે, રાઠવાની ગણતરી મોટા નેતાઓમાં થાય છે. રાઠવા UPA સરકારમાં રેલ્વે રાજ્ય મંત્રી હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો છે.
આ તરફ ન માત્ર નારણભાઈ રાઠવા પણ ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસી નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રી પણ નારાજ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી પર લગભગ સમજૂતી થઈ ગઈ છે. ગુજરાતની ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળી શકે છે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને આશા હતી કે, પાર્ટી તેમને અથવા તેમના ભાઈ ફૈઝલને ભરૂચમાંથી મેદાનમાં ઉતારશે. પરંતુ કોંગ્રેસે આ સીટ આમ આદમી પાર્ટી માટે છોડી દીધી છે.