દેશમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં થયેલા ગઠબંધન બાદ આપ પાર્ટીના ફાળે 4 બેઠકો આવી હતી. અને કોંગ્રેસ 3 સીટો પરથી લોકસભા ચૂંટણી લડશે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હીની ચાર લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી પોતાના ધારાસભ્ય કુલદીપ કુમારને ચૂંટણી લડાવાની જાહેરાત કરી છે. પૂર્વ દિલ્હીની સીટ સામાન્ય બેઠક છે, અહીંથી કુલદીપ કુમાર ચૂંટણી લડશે. કુલદીપ કુમાર હાલમાં અનામત બેઠક પરથી ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીએ વર્તમાન 3 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા છે.
આપ પાર્ટી લીડર અને દિલ્હી મિનિસ્ટર ગોપાલ રાયે દિલ્હી માટે લોકસભા ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જે મુજબ કુલદીપ કુમાર ઉપરાંત આમ આદમી પાર્ટીએ નવી દિલ્હી લોકસભા સીટથી સોમનાથ ભારતીને, દક્ષિણ દિલ્હીથી સહીરામ પહેલવાન અને પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી સુશીલ ગુપ્તાના નામની જાહેરાત કરી છે.