સુપ્રિમ કોર્ટે એક  મહત્વના ચૂકાદામાં જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડતી કલમ 370ની નાબુદીની ટીકા કરવી અને આ નિર્ણયના દિવસને કાળા દિવસ તરીકે મનાવવો કે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે આ દેશને અભિનંદન આપવા એ કોઈ અપરાધ નથી. આ કેસમાં વોટસએપ સ્ટેટસ મુદે એક પ્રોફેસર સામે થયેલા કેસને સર્વોચ્ચ અદાલતે રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે કાનૂનની મર્યાદામાં રહીને વિરોધ કરવાનો નાગરિકોને અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અભય ચોક તથા ન્યાયમૂર્તિ ઉજવલ ભૂઈયાની ખંડપીઠે બંધારણની કલમ 19 હેઠળ તેની વાત કહેવાનો અધિકાર છે. દેશનો નાગરિક કોઈ અન્ય દેશના સ્વતંત્રતા દિવસ પર તે દેશના નાગરિકોને શુભેચ્છા આપે તો તે કોઈ અપરાધ માનવામાં આવશે નહી. અદાલતે કહ્યું કે જો ભારતનો એક નાગરિક પાકિસ્તાનના નાગરિકોને તા.14 ઓગષ્ટના રોજ પાકના સ્વતંત્રતા દિને જો શુભેચ્છા આપે તો તેમાં કંઈ ખોટું નથી. આ સદભાવનાનું પ્રતિક છે તેમાં આ પ્રકારે શુભેચ્છા આપનારના ઈરાદા કે હેતુ સામે પ્રશ્ર્ન ઉઠાવી શકાય નહી. કારણ કે તે એક ખાસ ધર્મના છે.
કાશ્મીર માટેની ખાસ કલમ 370 ખત્મ કરવાના સરકારના નિર્ણયની ટીકા કરવાનો પણ ભારત સરકારના નિર્ણયની ટીકા કરવાનો પણ દરેક નાગરિકને અધિકાર છે. શર્ત એ છે કે તે કાનૂની મર્યાદામાં હોવી જોઈએ. આ પ્રકારની ટીકાને ભારતીય ફોજદારી ધારાની કલમ 153-એ હેઠળ અપરાધ ગણી શકાય નહી. તેણે આ કલમ રદ કરવાના નિર્ણય અને તેના આધારે લેવાયેલા પગલાનો વિરોધ કર્યો છે. બંધારણની કલમ 19(1)(એ) દરેક નાગરિકને બોલવાનો અધિકાર આપે છે અને તેના હેઠળ કલમ 370ની નાબુદીની ટીકા તે કરી શકે છે તે રાજયના નિર્ણય પર ખુશ ના હોય તો તેની ટીકા કરી શકે છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક પ્રોફેસર જાવેદ અહમદ હજામએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવા સામે ટીકા કરી હતી. તેણે તા.5 ઓગષ્ટને કાળો દિન ગણાવતું સ્ટેટસ તેના વોટસએપમાં મુકયુ હતું તથા તા.14 ઓગષ્ટના પાકિસ્તાનના સ્વતંત્રતા દિને આ દેશના નાગરિકોને શુભેચ્છા પણ પાઠવી હતી. પોલીસે આ પ્રોફેસર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 153-એ હેઠળ દાખલ કર્યો જેની સામે તેઓએ સુપ્રીમમાં ધા નાખી હતી. સુપ્રીમ કોર્ટે તેની સામેના કેસ રદ કરતા કહ્યું કે તા.5 ઓગષ્ટને કાળો દિવસ કહેવો તે તેની વ્યથાની અભિવ્યક્તિ છે જે તેનો અધિકાર છે. પાકના લોકોને સ્વતંત્રતા દિનની શુભેચ્છા આપવી તે એક સારા ઈરાદાથી કરાયુ કાર્ય છે તેમાં બે દેશો વચ્ચે વૈમનસ્યતા, નફરત કે બે વર્ગ વચ્ચે દુશ્મની વધારવા જેવું કશુ નથી.
			

                                
                                



