આગામી 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેનાં 85,000 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ તકે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી PMની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનોમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા સાત સ્ટોલ્સ ખુલ્લા મુકાશે. સાથે જામનગર-અમદાવાદ વંદેભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવશે. જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે.મળતી માહિતી અનુસાર વંદે ભારત ટ્રેન હાલ જે જામનગર-અમદાવાદ વચ્ચે દોડે છે, તેને દ્વારકા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે વિભાગ લેવાયો છે. આગામી 12 માર્ચથી બુધવાર સિવાયના તમામ દિવસે વંદે ભારત ટ્રેન દ્વારકાથી અમદાવાદ સુધી દોડશે.
અમદાવાદ અને દ્વારકા વચ્ચેની રોજિંદીટ્રેન સેવાની ખૂબ જરૂરિયાત હતી. જોકે હાલ અમદાવાદ અને દ્વારકા વચ્ચે કોઈ રોજીંદી ટ્રેન સેવા નથી, ત્યારે આ વંદે ભારત ટ્રેન લંબાવવામાં આવતા અમદાવાદ તરફથી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે. સાથે સાથે દ્વારકાથી અમદાવાદ પહોંચવું સરળ બનશે..આ અંગે રાજકોટનાં ADRM કૌશલ કુમાર ચોબેએ જણાવ્યું હતું કે, PM મોદીના હસ્તે લોકાર્પણ બાદ ટ્રેન નંબર 22926 ઓખા- અમદાવાદ વંદેભારત ટ્રેન બુધવાર સિવાય સપ્તાહના 6 દિવસ ઓખાથી સવારે 3:40 કલાકે રવાના થઈ દ્વારકા 4:05 મિનિટે પહોંચશે. બાદમાં દ્વારકાથી 4:10 મિનિટે નીકળી સવારે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 22925 અમદાવાદ ખાતેથી મંગળવાર સિવાયનાં 6 દિવસ ચાલશે. જેમાં ટ્રેન અમદાવાદથી સાંજે 6:10 કલાકે રવાના થશે અને રાત્રે 12:05 મિનિટે દ્વારકા તેમજ 12:40 કલાકે ઓખા સુધી પહોંચશે. જોકે જામનગર અને અમદાવાદ વચ્ચે આવતા એકપણ સ્ટેશને પહોંચવાના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.