પૂર્વ દિલ્હીના ગાઝીપુરમાં ગત રોજ એક ટેક્સી અચાનક યમદૂત બની ગઈ. આ ટેક્સીએ થોડી જ વારમાં 15 લોકોને કચડી નાખ્યા હતા. 15માંથી એકનું મોત થયું છે તો સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાકીના લોકોને ઘણી ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સ્થળ પર હાજર લોકોએ ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. નશામાં ધૂત ટેક્સી ડ્રાઈવરને પકડીને લોકોએ પહેલા ઢોર માર માર્યો અને પછી પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના ગાઝીપુરના બુધ બજારમાં બની હતી. ઘટના સમયે બુધબજારમાં ઘણી ભીડ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.
ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર બુધવારે મોડી સાંજે આ ઘટના બની હતી. તે સમયે ગાઝીપુરના બુધ બજારમાં લોકોની ભારે ભીડ હતી. આ દરમિયાન એક નશામાં ધૂત કાર ચાલકે ઝડપથી કાર હંકારી બુધ બજારમાં પ્રવેશ કર્યો હતો. લોકો કંઈ સમજે તે પહેલા કાર ચાલકે 15થી વધુ લોકોને કચડી નાખ્યા હતા. લોકોએ તરત જ વાહનને ઘેરી લીધું હતું અને ડ્રાઈવરને પકડી લીધો હતો અને તેને માર માર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે લગભગ 9.30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બાદ લોકોએ આરોપીની કારને રોકી હતી અને ભારે તોડફોડ કરી હતી. જોકે, પોલીસ પાછળથી આવી હતી અને આ વાહનનો કબજો લીધો હતો. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાં પાંચ મહિલાઓ છે. બે માણસો પણ ઘાયલ થયા છે. આ ઘટનામાં કાર ચાલક પોતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે તેને હોસ્પિટલમાં પણ દાખલ કર્યો છે.