આઝાદી બાદના ઇતિહાસમાં સૌથી રસપ્રદ બની ગયેલી અને વર્તમાન મોદી સરકારની ત્રીજી ટર્મ માટે મહત્વપૂર્ણ લોકસભા ચૂંટણીની જાહેરાતને હવે કલાકો ગણાય છે તે સમયે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળનારી ત્રણ સભ્યોની કમીટીમાં બે ચૂંટણી કમિશ્નરોની ખાલી જગ્યા ભરવા માટે નિર્ણય લેવાશે. હાલમાં જ ચૂંટણી કમિશ્નર અરૂણ ગોયલના રાજીનામાથી પંચમાં વધુ એક જગ્યા ખાલી પડી છે.
અગાઉ અનુપમચંદ્ર પાંડે ગત માસમાં નિવૃત થયા હતા. તે સમયે હવે એક માત્ર મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર સમગ્ર લોકસભા ચૂંટણીની કામગીરી સંભાળી રહ્યા છે અને તેમને બે ડેપ્યુટી આપવા માટે આજે વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા રધીર રંજન ચૌધરી તથા કેન્દ્રીય કાનુનમંત્રી અર્જુનરામ મેઘવાલની બેઠક બપોરે મળનાર છે તેમાં બે નવા ચૂંટણી કમિશ્નરની નિયુકિત થશે.
બીજી તરફ મોદી સરકારે બદલાવેલા કાનુન મુજબ ચૂંટણી કમિશ્નરોની નિયુકિત મુજબ સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટ ઉપર આવતીકાલે સુનાવણી થનાર છે અને તે પૂર્વે મોદી સરકારના નિર્ણય પરથી વિવાદ સર્જાવાની પણ ધારણા છે. બીજી તરફ ચૂંટણી પંચે હવે લોકસભા ચૂંટણીના શેડયુલની જાહેરાત કરવાની પણ તૈયારી કરી દીધી છે. અને આ સપ્તાહના અંત પૂર્વે ચૂંટણીની તારીખોની જાહેરાત થશે તેવા સંકેત છે. અને તેની સાથે જ આદર્શ આચારસંહિતા પણ અમલી થઇ જશે.