અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે ફતેવાડી વિસ્તારમાં મેટ્રો મેન્સન ફ્લેટના પાર્કિંગ વિસ્તારમાં આગ લાગતા અફરા-તફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના અહેવાલ મળતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે 210 વ્યક્તિને બચાવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી પહોંચવા લાગ્યો હતો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો. જોકે આ ઘટનામાં વૃદ્ધ મહિલાનું ગૂંગામણથી મોત નિપજ્યું છે.
ફાયરની ટીમે સંખ્યાબંધ લોકોનું રેસ્ક્યૂ કર્યાના અહેવાલ મળી રહ્યા છે. જોકે આ આગમાં બેઝમેન્ટમા પાર્ક કરેલા 25થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જોકે પ્રાથમિક દૃષ્ટિએ આ આગ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ લઈ લીધો છે, તો બીજી તરફ આગ કયા કારણોસર લાગી અને કઈ રીતે વિકરાળ સ્વરૂપ લીધું તેની તપાસ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઘટનાને લઈને વેજલપુર પોલીસે પણ તપાસ આદરી છે.