પાટણના શંખેશ્વર નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. એ બાદ બન્ને વાહનમાં અચાનક આગ લાગી હતી, જેથી બે લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા.
આ ગમખ્વાર અકસ્માતની મળતી હકીકત મુજબ, શુક્રવારની વહેલી સવારે શંખેશ્વર-પંચાસર- દશાવાડા માર્ગ પરથી પસાર થતી વેગનઆર ગાડી અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એ બાદ બન્ને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. એને કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર બે લોકો આગની ઝપેટમાં આવતાં બળીને રાખ થયા હતા. લોકોના ટોળાએ ગાડીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.