જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ લઈને રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઊમટી પડી વિધાનસભા તરફ કૂચ કરતાં પોલીસે અટકાવ્યા હતા. ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે. રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાના પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત કાળાં વસ્ત્રો પહેરીને પણ ફરજ બજાવી હતી.
આ સિવાય કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન યોજી પેન ડાઉન ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ કરાઈ ચૂક્યો છે. તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતાં આજે ફરીવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ઊમટી પડ્યા છે. જૂની પેન્શન સ્કીમ, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્ને કર્મચારીઓ ભારે સૂત્રોચારો કરી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.