10 માર્ચે અર્બુદા સેવા સમિતિના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ આપેલા એક નિવેદનને લઈ વિવાદ છેડાયો હતો. ચૌધરીએ કહ્યું હતું કે, કડવા પાટીદાર- લેઉવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે, એમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર એમની કારોબારીમાં રહ્યો નથી. ત્યાં ફક્તને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે.
વિપુલ ચૌધરીના આ નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો. હવે આ નિવેદનના 6 દિવસ બાદ યુ ટર્ન લેતા વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજની માફી માગી વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. ચૌધરીએ કહ્યું હતું કે, હું મારી વાત સારી રીતે ન સમજાવી શક્યો હોવ તે બદલ દિલગીર છું. સાથે પોતાના સમાજનું પણ વેપારીકરણ થઈ રહ્યાનો સ્વીકાર કરી ચિંતા વ્યકત કરી હતી.